અમદાવાદના મણિનગર પાસે ચાલુ ટ્રેનમાંથી યુવક નીચે પટકાતાં મોત
અમદાવાદ, અમદાવાદના મણિનગર ગોરના કૂવા પાસે કેનાલ પરથી પસાર થતા રેલવેટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવકના પડી જવાની ઘટના વિશે કોઈને જાણ ન હોવાથી આખી રાત સુધી લાશ ટ્રેક પાસે જ પડી રહી. સવારે ત્યાંથી પસાર થતા સ્થાનિકો મૃતદેહ જોતાં આ વિશે પોલીસને જાણ કરી હતી.
ઘટનાની વિગતો મુજબ, સુરતમાં હોટલ વ્યવસાય સાથે જોડાયેલો યુવક સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં સુરતથી રાજસ્થાન પાલી જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. જોકે રાતના સમયે તે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતાં ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. રાતના અંધારામાં આસપાસ કોઈ ન હોવાથી આખી રાત રેલવેટ્રેકની બાજુમાં જ તેની લાશ પડી રહી હતી.
બીજા દિવસે સવારમાં ટ્રેક પરથી પસાર થતા સ્થાનિકોની યુવક પર નજર પડી હતી. તેમણે આ વિસ્તારના સામાજિક અગ્રણી અને વેપારી એસોસિયેશન દક્ષિણીના પ્રમુખને જાણ કરી હતી. જેમણે ત્યાં આવીને યુવકને કફન ઓઢાળ્યું અને ઈસનપુર પોલીસને જાણ કરી હતી. એ બાદ પોલીસે સ્થળ પર આવીને મૃતકના સગાને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.