અમદાવાદના મેયરના નામની આજે જાહેરાત થશેઃ કોંગ્રેસે મેદાન છોડયુ
સ્ટેન્ડીંગ કમીટી માટે ભાજપના ૧૭ કોર્પોરેટરોએ ફોર્મ ભર્યાં
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બુધવાર ૧૦ માર્ચે પ્રથમ વખત સામાન્ય સભા મળશે જેમાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમીટી સભ્યો તેમજ સબ કમીટી ચેરમેન- ડે. ચેરમેનના નામની વિધિવત જાહેરાત વિજેતા પાર્ટી ભાજપ દ્વારા કરવામાં આવશે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી સભ્ય માટે પક્ષના આદેશ મુજબ ૧૭ કોર્પોરેટરોએ ફોર્મ ભર્યા છે. જયારે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્ટેન્ડીંગ સભ્યપદ માટે દાવેદારી કરવામાં આવી નથી તેમજ મેયર- ડે.મેયરની વરણી પણ બિન હરીફ થાય તેવી શક્યતા જાેવા મળે છે.
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં જવલંત વિજય મળ્યા બાદ ભાજપા દ્વારા બુધવારે શહેરના પ્રથમ નાગરીકની જાહેરાત કરવામાં આવશે. મેયરના નામની સાથે- સાથે ડે. મેયર અને સબ કમીટી ચેરમેન અને સભ્યોના નામ પણ જાહેર થશે. જયારે સ્ટેન્ડીંગ કમીટી માટે ભાજપા દ્વારા ૧૭ કોર્પોરેટરોને ફોર્મ ભરવા સુચના આપવામાં આવી હતી જેમાં હિતેશ બારોટ, જૈનીક વકીલ, જતીન પટેલ, પરેશ પટેલ, શિતલબેન ડાગા ના નામ મુખ્ય છે.
આશ્ચર્યજનક રીતે સ્ટેન્ડીંગ ચેરમેનના પ્રબળ દાવેદાર ગૌતમભાઈ પટેલની બાદબાકી કરવામાં આવી છે. જયારે તેમના સાથી કોર્પોરેટર શંકરભાઈ ચૌધરીને તક આપવામાં આવી છે. પાલડી વોર્ડમાંથી બે કોર્પોરેટરોના ફોર્મ ભરાવવામાં આવ્યા છે તેથી એકની બાદબાકી થશે તે નિશ્ચિત છે. સ્ટેન્ડીંગ સભ્ય તરીકે પાંચ મહીલા કોર્પોરેટરોએ ફોર્મ ભર્યા છે જે પૈકી ત્રણના નામ પરત લેવામાં આવે તેવી શક્યતા જાેવા મળે છે.
ભાજપા દ્વારા જે સભ્યોને ફોર્મ ભરવાના આદેશ આપવામાં આવ્યા છે તે પૈકી જતીન પટેલ, હિતેશ બારોટ અને જૈનીક વકીલ ચેરમેનપદના મુખ્ય દાવેદાર છે. આ ત્રણેય કોર્પોરેટરો પશ્ચિમ વિસ્તારના હોવાથી મેયર તરીકે પૂર્વ વિસ્તારમાંથી પસંદગી થઈ શકે છે. જેમાં કિરીટભાઈ પરમાર અને ચેતનભાઈ પરમારના નામ ઘણા સમયથી ચર્ચામાં છે.
ગત્ ટર્મમાં હેલ્થ કમીટીના ચેરમેન પદે રહેલા પરેશ પટેલ અને ડે. ચેરમેન જયેશભાઈ ત્રિવેદીના પણ ફોર્મ ભરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમીટી સભ્યો માટે ભાજપ દ્વારા તમામ વિધિ પૂર્ણ કરવામાં આવી છે જયારે કોંગ્રેસના નેતાઓ હજી સુધી નિદ્રાધીન છે
તેમજ સ્ટેન્ડીંગની ચૂંટણી માટે કોઈ જ સભ્યના ફોર્મ ભરાયા નથી તેથી ભાજપના તમામ સભ્યો બિનહરીફ જાહેર થશે તેવી જ રીતે મેયર અને ડે. મેયરના પદ માટે પણ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રક્રિયા કરાવી લોકશાહીને જીવંત રાખવા પ્રયાસ થાય તેવી શક્યતા નહીવત્ છે.
સુત્રોએ જણાવ્યા મુજબ વિધાનસભામાં ૧૬ સભ્યો હોવા છતાં રાજયસભામાં ભાજપના ઉમેદવારો બિન હરીફ વિજેતા જાહેર થયા હતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા રાજયસભા માટે ચૂંટણી કરાવી શકયા નથી. જયારે કોર્પોરેશનમાં તેમની પાસે માત્ર ર૪ સભ્યો જ છે
તેથી કોર્પોરેશનમાં પણ ભાજપને બિનહરીફ જીતવાની તક આપવામાં આવશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા નેતા દ્વારા શરૂ કરવામાં આવેલી પરંપરા કોર્પોરેશનમાં પણ યથાવત્ રહી શકે છે ભાજપ એક સાથે ર૦ જેટલા હોદ્દેદારોની વરણી કરશે જયારે કોંગ્રેસમાં હજી સુધી એક વિપક્ષી નેતાની વરણી થઈ નથી.