અમદાવાદના વેપારી સાથે ૨.૫ કરોડ રૂપિયાની છેતરપિંડી
અમદાવાદ, થલતેજના એક વેપારીએ તેમની સાથે ૨.૩ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાવી હતી. શનિવારે સોલા પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં ૪૩ વર્ષના આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ શાહીબાગમાં રહેતા રતિલાલ જૈન નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.
આનંદ ચૌધરીએ કહ્યું હતું કે, રતિલાલ જૈને તેને લોખંડ અને સ્ટીલનો ધંધો હોવાનો દાવો કર્યો હતો. જૈને ચૌધરીને કહ્યું હતું કે, તે એક વરિષ્ઠ સરકારી અધિકારીને ઓળખે છે અને તે જંગી નફો કમાઈ રહ્યો છે.
જૈને કહ્યું હતું કે, ચૌધરી પણ રોકાણ કરીને ૧૨ ટકા રિટર્ન કમાઈ શકે છે. જૈને આ સિવાય કહ્યું હતું કે, નફાનો ૫૨.૫૦ ટકા ભાગ તે લેશે, જ્યારે બાકીનો ચૌધરીને મળશે. ફરિયાદમાં, ચૌધરીએ જણાવ્યું હતું કે, ૧૪ જૂન, ૨૦૧૨ના રોજ તેમણે કોન્ટ્રાક્ટ પર સહી કરી હતી અને મેથી ઓગસ્ટ ૨૦૧૨ની વચ્ચે તેમણે રોકાણ તરીકે જૈનને ૨.૫ કરોડ રૂપિયા હતા. જૈને ચૌધરીને એક પ્રોમિસ નોટ પણ આપી હતી.
ચૌધરીએ પોલીસને જણાવ્યું હતું કે, જ્યારે પણ તેઓ નફામાંથી તેમનો ભાગ માગતા હતા ત્યારે જૈન વાતને ટાળી દેતો હતો. ચૌધરીએ કહ્યું હતું કે, જ્યારે તેમણે રોકાણની માહિતી આપવા માટે દબાણ કર્યું ત્યારે જૈને તેને ધંધામાં નુકસાન થઈ રહ્યું હોવાનું કહ્યું હતું. હકીકતમાં, ચૌધરીને કાચો માલ મગાવવા માટે કહ્યું હતું કે જેથી તેની પ્રક્રિયા કરી કેટલાક પૈસા કમાઈ શકે.
ચૌધરીએ પોલીસને જણાવ્યું હતું કે, જૈન ૨૦૧૨થી તેમની સાથે છેતરપિંડી કરી રહ્યો હતો અને ન તો તેણે પૈસા પરત કર્યા કે ન તો નફો આપ્યો અથવા વચન મુજબ ૧૨ ટકા વળતર પણ આપ્યું નથી. સોલા પોલીસે જૈન સામે છેતરપિંડી અને વિશ્વાસભંગનો ગુનો નોંધ્યો હતો.SSS