અમદાવાદના સ્મશાનગૃહોની દયનીય પરિસ્થિતિ
નાગરીકો માટે સમસ્યા ‘જીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી’ |
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : સ્માર્ટ સીટી અમદાવાદના નાગરીકો પીવાલાયક પાણી, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, રોગચાળા જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મહેરબાનીથી આવી સમસ્યાઓ ‘અંતિમ ધામ’માં પણ સાથે રહે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો અને વહીવટી તંત્ર વીમા નિગમની ટેગ-લાઈન ‘જીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી’ નો અમલ કરી રહ્યા છે.
શહેરીજનો પાસેથી દંડો ઉગામીને વેરા અને દંડની વસુલાત કરતા મ્યુનિસિપલ કમિશ્નરની અણઆવડતના કારણે અંતિમ ધામોની પરિસ્પ્રિથિત પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોેરેશન સંચાલિત ‘અંતિમ ધામ’માં ડાઘુઓ તો ઠીક મૃતકને પણ પારાવાર પેરશાની થઈ રહી છે. મ્યુનિસિપલ પદાધિકારીઓ છેલ્લા ઘણા સમયથી અંતિમધામોની મુલાકાત લઈ રહ્યા છે. પરંતુ નાગરીકોને જીવતા જ સુખ નથી આપી શક્યા તે સુખ સ્મશાનમાં આપવામાં પણ તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યુ છે એવી વ્યાપક ટીકાઓ થાય છે.
સ્મશાનના નામ સમસ્યા
|
મ્યુનિસિપલ કોર્પોેરશનના અધિકારીઓ અને પદાધિકારીઓ પ્રજા પાસેથી નાણાં સુલ કરવા અને પ્રજાના નાણાંનો વ્યય કરવામાં જ પાવરધા છે. પરંતુ પ્રજાને સુવિધા આપવાની વાત આવે ત્યારે પારોઠના પગલાં ભરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચથી કાર્યરત થયેલ જનમાર્ગ, એસવીપી, સ્ટ્રોમ વાટર લાઈન વગેરે તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમાં ‘હવે ‘ંઅંતિમ ધામો’નો પણ સમાવેશ થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ‘અંતિમ ધામો’ની પણ નર્કાગાર બની ગયા છે. શહેરમાં મનપા સંચાલિત ર૪ સ્મશાન ગૃહ છે. જે પૈકી ૧૩ સ્મશાનગૃહમાં સીએનજી સુવિધા ઉપલબધ છે. શહેરના વાડજ સ્મશાન ગૃહનું નવીનીકરણ થઈ રહ્યુ છે. જ્યારે અન્ય ર૩ સ્મશાનગૃહોમાં પારાવાર સમસ્યાઓ છે.
શહેરના તમામ સ્મશાનગૃહોમાં સેનિટેશનની અવ્યવસ્થા હોવાની ફરીયાદો છે. સંડાસ-બાથરૂમના દરવાજા તથા ચકલીઓ તૂટી ગઈ છે. નોંધણીદારની ઓફિસમાં વરસાદી પાણી ટપકવા, શોટસર્કીટ થવા તથા અગત્યના દસ્તાવેજા મુકવા માટેની તિજારી ન હોવાની વ્યાપક ફરીયાદો બહાર આવી છે. જ્યારે હાટકેશ્વર તથા અન્ય બે સ્મશાનગૃહમાં પણ ગેરકાયદેસર બાંધકામ થઈ ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ સ્મશાન ગૃહમાં દસ્તાવિધિ સ્થળે લાઈટની વ્યવસ્થા જ નથી. તથા જંગલી ઘાસ પણ ઉગી ગયા છે.
શરમજનક બાબત એ છે કે જે વ્યક્તિને જીવતા સગવડો ન મળી તેને મૃત્યુ પછી પણ અગવડો જ મળી રહી છે. દસ કરતા વધુ સ્મશાન ગૃહમાં લાકડાની ચિત્તા પરના પત્તરા સડી ગયા હોવાથી વરસાદી પાણી ટપકે છે. જ્યારે બે સ્મશાન ગૃહમાં સીએનજી ભઠ્ઠી પર વરસાદીપ ાણી પડવા તથા ધુમાડાના નિકાલની વ્યવસ્થા ન હોવાની પણ ફરીયાદો બહાર આવી છે. શહેરના ર૪ સ્મશાન પૈકી લગભગ ર૦ સ્મશાન ગૃહમાં પેવર બ્લોક નીકળી જવાની ફરીયાદો છે.
જેની મરામત માટે તંત્ર પાસે સમય પણ નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસે-દહાડે કરોડો રૂપિયા સિક્યોરીટી માટે ખર્ચ કરવામાં આવે છે પરંતુ સ્મશાન ગૃહોમાં સિક્યોરીટી સુવિધા અપૂરતી છે. એવી જ રીતે બગીચા ખાતા દ્વારા લેબર કામના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. પરંતુ સ્મશાન ગૃહના બગીચાની જાળવણી થતી નથી. અનેક સ્મશાન ગૃહમાં જૂનો કાટમાળ કે ભંગાર પડી રહ્યા છે. જેનો નિકાલ કરવાની તસ્દી લેવામાં આવતી નથી.
મ્યુનિસિપલ કોર્પોરેટરો સ્વ-પ્રચાર માટે અત્ર, તત્ર સર્વત્ર બાંકડાઓની લ્હાણી કરે છે. પરંતુ દસ જેટલા સ્મશાન ગૃહમાં ડાઘુઓને બેસવા માટે યોગ્ય બેઠક વ્યવસ્થા નથી. શહેરના ર૪ પૈકી ર૧ સ્મશાન ગૃહમાં પીવાલાયક શુધ્ધ પાણી તથા વાટરકૂલરની સુવિધાનો અભાવ છે.
મ્યુનિસિપલ હોદ્દેદારો સમક્ષ આ તમામ મુદ્દે લેખિત રજુઆતો થઈ છે. શહેરના ર૪ સ્મશાન ગૃહોની સમસ્યાઓની વિગતવાર યાદી મેયરને પણ લગભગ એક મહિના અગાઉ આપવામાં આવી છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ અને હેલ્થ કમિટિમાં પણ મુદ્દાસર રજુઆત થઈ છે. પરંતુ પરિણામ શૂન્ય છે. શહેરના નાગરીકો માટે સમસ્યાઓ કાયમી બની ગઈ છે. ‘જીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી’.