અમદાવાદના ૭૦ વર્ષના અનોખા વૃક્ષપ્રેમી- પોતાના ખિસ્સાના રૂ. ૧.૫૦ લાખના ખર્ચી એક-બે નહીં પણ પુરા ૨૨૦૦ વૃક્ષોનું એકલા હાથે જતન-સંવર્ધન કર્યું છે
‘પોતે ભલા અને પોતાના છોડ ભલા’ જ કાંતિભાઈનોજીવનમંત્ર,
કુદરતનું આપણા પર જે ઋણ છે તેમાંથી મુક્ત થવા વધુને વધુ વૃક્ષ વાવું છું
-આલેખનઃ સુનિલ પટેલ (સિનિયર સબ એડિટર)
કોઇ દિવસ રાણીપ, નવા રાણીપ કે નારણપુરાના પલિયડનગર આસપાસથી પસાર થતાં હોય અને કોઇ ઉંમરવાન વડીલ મેલાઘેલા કપડામાં ફુલછોડ વાવતું હોય, છોડ ફરતે વાડ કરતું હોય કે પાણી પાતું હોય તો રખે માનતા કે આ કોઇ સોસાયટીના માળી છે કે કોર્પોરેશનના કોઇ કર્મચારી છે… એ છે અમદાવાદના એક એવા અનોખા વૃક્ષ પ્રેમી કાંતિભાઇ પટેલ… જેમની પર્યાવરણની ઉજવણી આખું વર્ષ ચાલ્યા કરે છે અને તે પણ નિશ્વાર્થ ભાવે….
૫મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ… પ્રતિ વર્ષ વિશ્વભરમાં કુદરતના સંરક્ષણ માટે આ દિવસે વિવિધ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાતા હોય છે. આ એક દિવસ આપણામાંથી મોટાભાગના એકાદ ફુલ છોડ વાવીને ઉજવણીને સાર્થક બનાવવાનો પ્રયત્ન કરતાં હોઇએ છીએ પછી આખું વર્ષ ભૂલી જતાં હોઇએ છીએ.પણ કાંતિભાઇ પટેલ જેવા વૃક્ષ પ્રેમીને મન તો આખુ વર્ષ પર્યાવરણ દિન હોય છે.
આ વૃક્ષપ્રેમી અમદાવાદીનું નામ છે કાંતિભાઇ પટેલ. જેમના શ્વાચ્છોશ્વાસમાં વૃક્ષપ્રેમ વસે છે. મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામના વતની અને વર્ષોથી અમદાવાદના રાણીપમાં સ્થાયી થયેલા કાંતિભાઇ શીવરામદાસ પટેલ મૂળ તો ખેડૂતપૂત્ર છે તેથી વૃક્ષ પ્રત્યેની તેમની સંવેદના સહેજે સમજી શકાય તેમ છે.તેઓ વૃક્ષોને એટલો અનહદ પ્રેમ કરે છે કે તેઓએ પોતાના ખિસ્સાના રૂા. ૧.૫૦ લાખ જેટલો ખર્ચ છેલ્લા નવ વર્ષમાં એકલે હાથે એક કે બે નહીં પણ પૂરા ૨૨૦૦ વૃક્ષ વાવવામાં કરી નાંખ્યો છે અને હજી તેમનો વિશ્વાસ એટલો બૂલંદ છે કે તેઓ જ્યાં સુધી કામ કરી શકવા સક્ષમ છે ત્યાં સુધી વધુને વધુ વૃક્ષો વાવીને ઉછેરવાની ખેવના ઘરાવે છે.
તેમનો નાનો દિકરો લંડન રહે છે અને મોટા દિકરાને હાર્ડવેરની દૂકાન છે. આ વૃક્ષપ્રેમીને આવી ગરમીમાં પણ સાયકલ પર પાણીના કેરબા, ખોદકામ કરવાં તિકમ-કોદાળી, દાતરડું,સીમેન્ટની નાની થેલી સાથે વિવિધ સોસાયટીની બહાર ફુલછોડનું સંરક્ષણ કરતાં અનેક લોકોએ જોયા છે. આ બધુ તો છે જ પણ સાથેસાથે વૃક્ષપ્રેમી એવા કાંતિભાઇ પટેલે વૃક્ષો ન માત્ર વાવ્યા છે પણ તે પૂરેપૂરા મોટા થાય ત્યાં સુધીની માવજત કરીને ઉછેર્યા છે.
તેમની વૃક્ષારોપણની પ્રવૃત્તિ ચોમાસાની સિઝનની મોહતાજ નથી. વર્ષભર તેમની આ પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. કાંતિભાઇની આ પ્રવૃત્તિ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પણ તેમનું સન્માન કરી ચૂક્યાં છે. જો કે તેઓ કોઇ સન્માન માટે આ પ્રવૃત્તિ કરતાં નથી પરંતુ કુદરત પ્રત્યે તેમને એટલો લગાવ છે કે તેઓ કોઇને વૃક્ષ કાપતાં જૂએ તો તેમને અટકાવવા માટે પણ અચકાતા નથી.
તેમને પ્રસિધ્ધિની કોઇ ખેવના નથી. તેઓ તો ‘પોતે ભલા અને પોતાના છોડ ભલા’ માં માને છે. તેઓના આ કાર્યમાં તેઓના ઘરનો પણ પૂરેપૂરો સહયોગ છે. તેમના આ કાર્યને જોઇને હવે તો લોકો પણ તેમને સહકાર આપતાં થઇ ગયાં છે.
નારણપુરાના પલિયડનગરમાં રહેતા નિવૃત્ત કાર્યપાલક ઇજનેર એવાં જશુભાઇ પટેલે પણ તેમને છેક રાણીપ તેમના ઘરેથી પાણી લાવતાં જોઇને પોતાના ઘરેથી વૃક્ષોને પાણી પાવા લઇ જવા અનુમતી આપી છે અને કાંતિભાઇના કામની એ રીતે સરાહના કરી છે. કાંતિભાઇનો તો જીવનધ્યેય છે કે, ‘જીવનમાં બનો તો આ જગતના વનમાળીએ બનાવેલા બાગમાં માળી બનો પણ કદી પણ કઠિયારા ન બનો.’’
૭૦ વર્ષની ઉંમરે માણસ થોડો અશક્ત બનતો હોય છે, મોહમાયાથી દૂર થવા ભજન ભક્તિમાં લીન બનતો હોય છે. કાંતિભાઇ આ ભજન ભક્તિ પણ કરે જ છે પણ તે તેમના માટે પસંદગીમાં બીજા નંબરે આવે છે. સવારે ઉઠીને સાયકલ લઇને તેમણે વાવેલા વૃક્ષોને પાણી પાવા માટે તેઓ સાયકલની પાછળ પાણીના કેરબા મૂકીને નીકળી પડે છે. તેઓ રાણીપથી માંડીને ત્યાંથી ૭- ૮ કિ.મી. દૂર નારણપુરા સુધી તેમણે વાવેલા વૃક્ષોને પાણી પીવડાવે છે. તેમની આ રોજની સવારની પ્રવૃત્તિ છે.
એવું નથી કે તેમની પાસે કરવા જેવી કોઇ પ્રવૃત્તિ નથી. તેમના દિકરાની હાર્ડવેરની દૂકાન છે ત્યાં પણ તેઓ બેસી શકે છે પરંતું વૃક્ષ પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને તેમ કરવા દેતો નથી. જો કે સગવડ- અગવડે તેમના દીકરાઓની હાર્ડવેરની દૂકાને પણ બેસી તેઓની પણ મદદ કરે છે.
તેઓ ન માત્ર પાણી લઇને નિકળે છે પણ તે સાથે ખામણું કરવા માટે કોદાળી, તિકમ, છોડ આસપાસનું ઘાસ દૂર કરવા માટેની ખૂરપી, છોડના રક્ષણ માટે ખામણાની આસપાસ ઇંટોની દિવાલ કરવા માટે સીમેન્ટ, લેલું, છોડમાં ઉધઇ ન આવે તે માટેની દવા.. આમ તમામ પ્રકારનો સરંજામ લઇને કાંતિભાઇ નિકળી પડે છે.
આ વિસ્તારમાં લહેરાતા લીમડો, કણઝી, સપ્તપર્ણી, ગુલમહોર, બોરસલ્લી અને ફન્ટુફાર્મના જે છોડ કે ઝાડ જોવા મળે છે તે કાંતિભાઇના પરિશ્રમનું પરિણામ છે.કાંતિભાઇની ઉંમર ૭૦ વર્ષની છે….મોઢામાં દાંત પણ નથી રહ્યા છતાં તેમનો વૃક્ષ ઉછેર માટેનો જોમ અને જુસ્સો હજુય અકબંધ છે. તેઓ દ્વારા વાવવામાં આવેલા આ વૃક્ષો તેઓ નર્સરીમાંથી રૂા. ૧૦૦ થી રૂા.૩૦૦ ના પ્રતિ છોડના ભાવે લાવી જાતે જ ખામણું કરે છે અને જાતે જ રોપે છે. આ માટે થતા ખર્ચની તેમણે ક્યારેય તમા નથી કરી. કોઇ કોઇ લોકો તેમને તેમની આ પ્રવૃત્તિ માટે આર્થિક મદદ માટેનો હાથ પણ લંબાવે છે પરંતુ તેઓ કોઇની મદદ લેતા નથી.
તેઓને આ વૃક્ષપ્રેમની પ્રેરણા ક્યાંથી મળી તેવું પુછતાં તેમણે જણાવ્યું કે, નવ વર્ષ પહેલા હું એક ધાર્મિક પુસ્તક વાંચી રહ્યો હતો. આ પુસ્તકમાં લખ્યું હતું કે, એકવાર એક વૃધ્ધ આંબાનો છોડ વાવી રહ્યાં હતા. તેઓને જોઇને એક નવયુવાને વૃધ્ધને પૂછ્યું કે, તમે આ આંબાની કેરી ક્યારે ખાવાના છો તે તમે આંબાનો છોડ વાવો છો. તો વૃધ્ધે જવાબ આપ્યો કે, કોઇકે તો આંબો વાવ્યો હશે કે આપણે આજે કેરી ખાઇ રહ્યા છીએે. આજે હું આંબો વાવીશ તો આવનારી પેઢીને તો તેના ફળ ખાવા મળશે. આ વાર્તા વાંચીને મને થયું કે, જગતના નિયંતાએ આટલી સરસ હરિયાળી પૃથ્વી બનાવી અને આપણે તેને કાપીને ધરતીના શણગારને ઓછો કરી રહ્યાં છીએ. કોઇકે તો શરૂઆત કરવી પડશે તેવા વિચાર સાથે કાંતિભાઇએ આ વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. અને તેને પોતાનું શરીર ચાલે ત્યાં સુધી ચલાવવા માંગે છે.
કાંતિભાઇ સવારે છોડને પાણી પાણી પીવડાવવા નીકળે ત્યારે રસ્તામાં મળતાં ઇંટ કે તેના ટૂકડા લઇને પોતાની સાયકલ પર મૂકી દે છે. આ સિવાય આસપાસમાં જ્યાંથી પણ ઇંટના ટૂકડા મળે તેને પોતાની સાયકલ પર ગોઠવી દે છે. આ ટૂકડાઓ દ્વારા તેઓ વાવેલ છોડના રક્ષણ માટે સંરક્ષણ માટેની દિવાલ બનાવે છે. આ ઉપરાંત તેઓ તેઓની સાથે દાતરડું પણ રાખે છે જેના દ્વારા છોડની આસપાસ કાંટાળી વાડ બનાવી છોડનું સંરક્ષણ કરે છે.
તેમણે આ ઉપરાંત રાણીપમાં સીનીયર સિટિઝનનું ૧૫૦ લોકોનું ગૃપ બનાવ્યું છે. જેને તેઓ સિનિયર સિટિઝન ફોરમ કહે છે તેઓ પણ વૃક્ષારોપણના કાર્યક્રમ કરે છે. આ ઉપરાંત આ ગૃપ રાણીપમાં વધુ વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, પ્લાસ્ટિકમુક્ત ગુજરાત જેવા વિષયોને લઇને જનજાગૃતિ માટે રેલી પણ યોજી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ સોસાયટીઓમાં તુલસીના છોડનું પણ મફત વિતરણ કરે છે. અત્યાર સુધીમાં તેઓ ૫૦૦ જેટલા તુલસીના છોડનું વિતરણ કરી ચૂક્યાં છે.
કાંતિભાઇ કહે છે કે, જો આપણે સ્વચ્છ પર્યાવરણ- સ્વચ્છ શ્વાસ જોઇતા હશે તો આ ધરતીને વૃક્ષોનો બાગ બની રહેવા દઇએ. જો તેમ નહીં કરીએ તો તેના વરવા પરિણામ આપણે ભોગવવા પડશે. કુદરતે બનાવેલી આ ધરતીને કઠિયારા બની ઉજ્જડ કરવાનો આપણને કોઇ અધિકાર નથી. એક સામાન્ય કદકાઠી ધરાવતી ૭૦ વર્ષની વય ધરાવતી વ્યક્તિ ધારે તો શું કરી શકે તેની આ પ્રેરણાદાયી કથા છે.