અમદાવાદના ૯ તાલુકામાં ૧૬ લાખથી વધુ વ્યક્તિઓનો સર્વે હાથ ધરાયો
અમદાવાદ જીલ્લામાં વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ અભિયાન અંતર્ગત ‘હાઉસ ટુ હાઉસ’ સર્વેલન્સનો પ્રારંભ
અમદાવાદ જિલ્લાના ૪૬૪ ગામમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઇને મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવામાં આવી રહ્યો છે
વાહકજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ અભિયાન અંતર્ગત ‘હાઉસ ટુ હાઉસ’ સર્વેલન્સના કારણે અમદાવાદ જિલ્લામાં મેલેરીયા-ડેન્ગ્યુના પ્રમાણમાં ઘટાડો નોંધાયેલ છે પરંતુ મચ્છરોની ઉત્પત્તિ અટકાવવામાં ન આવે તો મેલેરીયા અને ડેન્ગ્યુના કેસોનું પ્રમાણ વધવાની પણ શક્યતાઓ રહેલી હોય છે. સમગ્ર પરિસ્થિતીને ધ્યાને લેતા વિરમગામ સહિત અમદાવાદ જિલ્લાના ૯ તાલુકામાં વાહકજન્ય રોગ નિયંત્રણ પ્રવૃતિ ઝુંબેશરૂપે ‘હાઉસ ટુ હાઉસ’ સર્વેલન્સનો 23 સપ્ટેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લાના ૪૬૪ ગામોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે જઇને સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ સર્વેલન્સ કામગીરીનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.શિલ્પા યાદવ, જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી નરેન્દ્રસિંહ રાઠોડ, વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, નીલકંઠ વાસુકીયા, તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણા સહીત તમામ તાલુકા ટીમ દ્વારા સઘન મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે.
અમદાવાદ જિલ્લાના જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતુ કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2016થી ‘મેલેરીયા ઉન્મુર્લન’ અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યને મેલેરીયા ઉન્મુર્લન માટેનો લક્ષાંક વર્ષ 2024 સુધીમાં હાંસલ કરવા સુચન કરેલ છે. વાહકજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણની કામગીરીને રાષ્ટ્રીયકક્ષાએ અગ્રીમતા આપવામાં આવી રહેલ છે.
શ્રી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મેલેરીયાનું પ્રમાણ ઘટેલ છે પરંતુ તેની નાબુદી માટે સઘન પ્રયત્નો જરૂરી છે. વરસાદની સીઝન પછી મચ્છરોની ઉત્પત્તિ ન અટકાવવામાં આવે તો આગામી સમયમાં મેલેરીયા અને ડેન્ગ્યુના કેસોનું પ્રમાણ વધવાની શક્યતાઓ રહેલી છે. આમ સમગ્ર પરીસ્થિતીને ધ્યાને લેતા અમદાવાદ જીલ્લામા રોગ નિયંત્રણ પ્રવૃતિનું ઝુંબેશરૂપે અમલીકરણ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે.
શ્રી રાઠોડે વધુમાં જણાવ્યું કે, વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં ૪૬૪ ગામોમાં ૧૬ લાખથી વધું લોકોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. વિવિધ કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે ફરીને મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરવામાં આવી રહી છે અને મચ્છર ઉત્પત્તિમાં પારોનાશક દવા નાખીને નાશ કરવામાં આવી રહ્યો છે. કોઈપણ વ્યક્તિને તાવ આવે તો નજીકના સરકારી દવાખાના કે આરોગ્ય કર્મચારીનો તાત્કાલિક સંપર્ક કરીને નિશુલ્ક સારવાર મેળવવી જોઈએ.