અમદાવાદની આ સોસાયટીના તમામ સભ્યો 365 દિવસ વરસાદનું સંગ્રહ કરેલું પાણી જ પીવે છે
આ નવતર પ્રયોગ સમગ્ર જનસુમદાય માટે દિશાસૂચક બન્યો સોસાયટીના એકપણ ઘરમાં આર.ઓ.નથી પણ વરસાદનું પાણી પ્યૂરીફાય કરવા માટે માત્ર વોટર પ્યૂરીફાર લગાવવામાં આવ્યું છે
ફ્લેટના સભ્યોનું કહેવુ છે કે, અમે વરસાદી પાણી પીને અનેક રોગોમાંથી મુક્ત રહી શક્યા છીએ
Ø ફ્લેટના રહીશો એક વર્ષ સુધી દોઢ લાખ લીટર વરસાદનું પાણી સંગ્રહ કરીને પીવા માટે રાખે છે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘જળ શક્તિ અભિયાન – કેચ ધ રેઇન’ વરસાદને ઝીલોના સંકલ્પને અમદાવાદના પાલડી વિસ્તારની ચૈતન્ય સોયાયટીના રહીશો સાકાર કરી રહ્યા છે.
ચૈતન્ય સોસાયટીના તમામ સભ્યો 365 દિવસ એટલે કે બારેમાસ માત્રને માત્ર વરસાદનું પાણી જ પીવે છે અને રસોઇમાં પણ વરસાદી પાણીનો જ ઉપયોગ કરે છે. આ સોસાયટીના કોઇપણ સભ્યોના ઘરે આર.ઓ.સિસ્ટમ નથી પણ વરસાદનું પાણી પ્યૂરીફાય કરવા માટે માત્ર પ્યૂરીફાર લગાવવામાં આવ્યું છે.
વિજ્ઞાનથી લઇને ધાર્મિક પુસ્તકોમાં વરસાદના એક એક ટીપાના જતન માટે ઘણું લખ્યુંછે. આ જ જળ આવનારા સમયમાં જીવન પણ આપી જ જાણે છે તેવામાં અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ચૈતન્ય સોસાયટીના સભ્યો વરસાદના એક એક ટીપાને સાચવીને બારેમાસ રોજિંદા વપરાશમાં લઇ રહ્યા છે. આ નવતર પ્રયોગ સમગ્ર જનસુમદાય માટે એક દિશાસૂચક બન્યો છે.
આ અંગે વાત કરતા સોસાયટીના સભ્ય એવા આસિતભાઇ શાહે જણાવ્યું હતુ કે, ચોમાસાની ઋતુમાં શરૂઆતના બે કે ચાર વરસાદ પછી મકાનની છત ઉપર વરસતુ વરસાદનું પાણી ટાંકામાં સંગ્રહ કરીએ છીએ. ત્યારબાદ આ સંગ્રહ કરેલું પાણી અમે બાર મહિના સુધી પીવા અને રસોઈ માટે વાપરીએ છીએ.
એટલું જ નહીં અમે દર ત્રણ મહિને પાણીનું ટેસ્ટિંગ પણ કરાવી લઇએ છીએ. ફ્લેટના રહીશો એક વર્ષ સુધી દોઢ લાખ લીટર વરસાદનું પાણી સંગ્રહ કરીને પીવા માટે રાખે છે. તદઉપરાંત, 12-13 લાખ લીટર પાણી પરકોલેટિંગ વોલ બનાવીને ભૂગર્ભમાં ઉતારે છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમે ફૂટ એપોક્સી પણ કરીએ છે જેનાથી પાણીનો જ કન્ટેન્ટ છે એ જળવાઇ રહે છે. અમારી સોસાયટીના કોઇપણ સભ્યોના ઘરે આર.ઓ.સિસ્ટમ લગાવવામાં આવી નથી પણ વરસાદનું પાણી પ્યૂરીફાય કરવા માટે માત્ર પ્યૂરીફાર લગાવવામાં આવ્યું છે. સોસાયટીના સભ્યો થકી પાણીનો બગાડ ન થાય તે માટે અમે વોટર મીટર પણ મૂકયા છે. જેથી પાણીનો કરકસરપૂર્ણ રીતે ઉપયોગ થઇ શકે.
આજે પીવાનું પાણી મેળવવા માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે. પરંતુ ખરા અર્થમાં વરસાદી પાણીને ખોટી રીતે વહેતું અટકાવીને આ પાણીનો યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો પાણીની અછતમાં વર્ષો સુધી સંગ્રહ કરેલુ પાણી આશિર્વાદરૂપ બનતું હોય છે.
આ સોસાયટીના સભ્યોનું એ પણ કહેવું છે કે, અમે બારેમાસ વરસાદી પાણી પીને અનેક રોગોમાંથી મુક્ત થઇ રહ્યા છીએ કેમ કે વરસાદી પાણીમાંથી શરીરને તમામ પ્રકારના મિનરલ્સ પણ મળી રહેતા હોય છે, અમે છેલ્લાં ઘણા વર્ષોથી રોજિદા વપરાશમાં માત્ર વરસાદી પાણીનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. – ગોપાલ મહેતા