અમદાવાદની આ સ્કુલમાં લેબમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાર્ટઅપ – ‘3D પ્રિન્ટર્સ અને ડ્રોન’ બનાવાયા
અમદાવાદ કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી સ્કૂલમાં રોબોટિક્સ લેબનું નિર્માણ-પ્રાઇમરી ક્લાસના વિદ્યાર્થીઓએ બનાવેલ સ્ટાર્ટઅપ – ‘મન કી બાત’ રેડિયોની વડાપ્રધાનશ્રીને અપાયો
દિવસના ૨૫૦૦ લીટર R.O પ્લાન્ટમાં વેસ્ટ પાણીનું પાઇપ સાથે જોડાણ કરીને કેન્દ્રીય વિદ્યાલયના અધ્યાપક અને વિદ્યાર્થીઓ દ્વારા ફ્રૂટ બગીચાનું નિર્માણ
અમદાવાદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી સ્કૂલમાં રોબોટીક્સ લેબ નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા નવા સંશોધન કરીને સ્ટાર્ટઅપ ઉભા કરવામાં આવ્યા હતા. આ સ્ટાર્ટઅપમાં ધોરણ -૯ ના ૧૩ વિદ્યાર્થીઓએ 3D પ્રીન્ટર્સ, ડ્રોન તૈયાર કર્યા હતા
સાથેજ પ્રાઇમરી ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાર્ટઅપ રેડિયો પણ બનાવવામાં આવ્યા હતા.જેની તાલીમ વિદ્યાલયના અધ્યાપક પ્રિયકાન્ત તરપારા દ્વારા અપાઈ હતી.આ સ્ટાર્ટઅપ થકી કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી સ્કૂલના વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓને તાલીમ આપી નવા સ્ટાર્ટઅપ ઉભા કરવા પ્રોત્સાહન આપે છે.
કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય અવિજીત પાંડા જણાવે છે કે, ભારત સરકાર દ્વારા હમણાં જ યોજાયેલા વડાપ્રધાનશ્રીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી શાળાના વિદ્યાર્થીઓએ પણ દિલ્હી સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં પોતાના સ્ટાર્ટઅપનું લાઈવ ડેમોસ્ટ્રેશન સેન્ટર ઊભું કર્યું હતું.
કેન્દ્રીય વિદ્યાલય સાબરમતીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા આ સ્ટાર્ટઅપ 3D પ્રિન્ટરને જોતાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ખૂબ જ પ્રભાવિત થયા હતા. સાથેજ પ્રાઇમરી ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ‘મન કી બાત’ રેડીયો તેમને અત્યંત પસંદ આવ્યો હતો,
જેથી વિદ્યાર્થી દ્વારા તૈયાર કરેલ રેડીયો પર તે વિદ્યાર્થીનો ઓટોગ્રાફ વડાપ્રધાન પોતાની સાથે લઈ ગયા હતા.અને મન કી બાત રેડીયો પર તેમણે કેન્દ્રીય વિદ્યાલય સાબરમતીના વિદ્યાર્થીઓના આ સ્ટાર્ટઅપ અંગેનો ઉલ્લેખ પણ કર્યો હતો.
કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી સ્કૂલના આચાર્ય શ્રી અવિજીત પાંડા વધુમાં જણાવે છે કે, શાળામાં ૨૫૦૦ લીટર રોજના વેસ્ટ વહેતા પાણીનો સદુપયોગ કરી જમીનમાં પાઇપ અને ટાંકી સાથે જોડી તેનો સંગ્રહ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા વિદ્યાલયમાં ફ્રૂટ બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જેમાં કેળા, આંબો, જાંબુ, દાડમ, લીંબુ, ટામેટા, ચીકુ, આંબળા, બદામ, પપૈયા, ચેરી, પાઈનેપલ, કીવી જેવા કુલ ૯૮ અલગ અલગ ફળ – ફુલ રોપવામાં આવ્યા છે. સાથેજ વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ ટ્રુકના ટાયરમાંથી બેસ્ટ બેસવાની સીટ બનાવી ઓપન શાળાનું નિર્માણ પર કરવામાં આવ્યું છે
જ્યાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો તેમના અમૂલ્ય જ્ઞાનનું આદાન પ્રદાન કરે છે.
કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી સ્કૂલમાં પ્રધાનમંત્રી કૌશલ યોજના અંતર્ગત ૨૦ થી વધુ બાળકોને કમ્પ્યુટર અને ડેટા એન્ટ્રી ઓપરેટરની નિ: શુલ્ક તાલીમ આપવામાં આવે છે. સાથેજ શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓને ટેલરિંગ પણ શિખવવામાં આવે છે.
કેન્દ્રીય વિદ્યાલય સાબરમતીના આચાર્ય અવિજીત પાંડાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણક્ષેત્રે જે સ્વપ્ન જોયું છે કે શિક્ષણની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓ જોડાય અને અવનવા સ્ટાર્ટઅપ ઉભા કરી આત્મનિર્ભર ભારત બને તે દિશામાં કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી સ્કૂલ કાર્ય કરી રહી છે અને સાથે અન્ય શાળાઓને પણ તાલીમ આપી તે જ દિશામાં આગળ વધારવાના પ્રયત્નો કરી રહી છે. (આલેખન:- મિતેષ સોલંકી)