Western Times News

Gujarati News

અમદાવાદની એલિસબ્રીજ શાળાનું “શહીદ વીર કેપ્ટન નીલેશ સોની” નામાભિધાન કરાયું

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદ અખબારી નિવેદનમાં જણાવે છે કે, અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ દ્વારા દેશ માટે પ્રાણની આહુતિ આપનાર અમદાવાદના વીરગતિ પામેલા શહીદોની કાયમી યાદગીરીના ભાગરૂપે તેમના રહેઠાણની નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાને જે તે શહીદના નામે નામાભિધાન કરવામાં આવે છે.

પાલડી વિસ્તારમાં રહેતા કેપ્ટન નીલેશ સોની ૬૨,ફિલ્ડ રેજીમેન્ટ,ભારતીય લશ્કર અંતર્ગત, ભારત દેશના સંરક્ષણની દ્રષ્ટીએ ખુબ જ અગત્યના અને દુનિયાનું ઉચ્ચતમ પર્વતીય યુદ્ધ ક્ષેત્ર “સિયાચીન ગ્લેશિયર” સરહદ ઉપર ૧૯૦૦૦ ફીટની પોસ્ટ ઉપર -૫૫ થી -૬૦ ડીગ્રી તાપમાનમાં ફરજ બજાવતા પાકિસ્તાન સામે “ઓપરેશન મેઘદૂત”માં ૧૨ ફેબ્રુઆરી ૧૯૮૭ના રોજ ૨૫ વર્ષની યુવાન વયે શહાદત વહોરી હતી.

તેઓની કાયમી યાદગીરી અર્થે અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ સંચાલિત એલીસબ્રીજ ગુજરાતી શાળા નંબર ૨૮,પાલડી, અમદાવાદને “શહીદ વીર કેપ્ટન નીલેશ સોની”નામાભિધાન કાર્યક્રમ અન્વયે તક્તી અનાવરણ કાર્યક્રમ શાળા ખાતે તેમજ સ્ટેજ કાર્યક્રમ સ્કાઉટ ભવન પાલડી ખાતે યોજાયો.

આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને,શહીદ વીર નીલેશ સોનીની છબીને પુષ્પમાળા અર્પણ કરીને કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદ શાસનાધિકારીશ્રી ડૉ.એલ.ડી.દેસાઈએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું તેમજ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ વીર કેપ્ટન નીલેશ સોનીના પરિવારજનોને આવકાર્યા. આ પ્રસંગે શહીદ વીર નીલેશ સોનીના પરિવારજનોનું બુકે આપીને તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદ ચેરમેનશ્રી એ જણાવ્યું કે આપણે જયારે નોકરી શોધવાની શરૂઆત કરીએ ત્યારે પગાર અને સ્થળની યોગ્યતા જોઈએ છીએ.જયારે વીર માતાનાં સંતાનો જ આવી કોઇપણ પ્રકારની ચિંતાઓ કર્યા વગર સૈન્યમાં ભરતી થતાં હોય છે.

આજે આ પ્રસંગે તે સૌ શહીદ સપૂતો અને એમની વીર માતાઓને વંદન.અમારા સ્કુલ બોર્ડે ઠરાવ કર્યો છે કે શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે માટે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને શહીદ વીરોના નામ સાથે જોડીશું.

એલીસબ્રીજ વિધાનસભાના માન. ધારાસભ્યશ્રી રાકેશભાઈ શાહે  ભારતમાતાના  જયઘોષ સાથે તેમના પ્રવચનની શરૂઆત કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદ સંચાલિત એલીસબ્રીજ શાળા નંબર ૨૮નું “શહીદ વીર કેપ્ટન નીલેશ સોની”નામાભિધાન કાર્યક્રમ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડને અભિનંદન પાઠવ્યા હતા.તેઓએ આજ રોજ સુભાષચંદ્ર બોઝને પણ તેમની પુણ્યતિથી નિમિતે યાદ કરીને અંજલી આપી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદ સંચાલિત શાળાઓને વીરગતિ પામેલા શહીદોના નામ સાથે જોડીને આવનારી પેઢીના બાળકોના મનમાં રાષ્ટ્ર પ્રત્યે સન્માન અને દેશભક્તિની ભાવના ઉત્પન્ન થાય અને બાળકો પણ આવી શાળાઓમાં ભણવાનું ગૌરવ લે.આ  ઉપરાંત તેમણે જણાવ્યું કે, સૌના માટે આનંદના સમાચાર છે કે રીવરફ્રન્ટ ખાતે વીરગતિ પામેલા શહીદોની યાદમાં શહીદ સ્મારક બનાવવામાં આવશે.

દેશ વિદેશથી રીવરફ્રન્ટની મુલાકાતે આવનાર લોકો આ સ્મારકની મુલાકાત લેશે અને ગૌરવ લેશે.દેશની આન,બાન અને શાન એવા શહીદોને તર્પણ માટે અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ પણ સહભાગી થયું છે તે ગૌરવની વાત છે.આપણે સૌ સાથે મળીને શહીદોનું માન-સન્માન વધારીએ એવા પ્રયત્નો કરીશું.

આ પ્રસંગે ઉપસ્થિત માનનીય સાંસદસભ્યશ્રી ડૉ.(પ્રોફે.) કિરીટભાઈ સોલંકી એ પોતાના વક્તવ્યની શરૂઆત “નીલેશ સોની અમર રહો” , અને “ભારત માતાકી જય”ના નારા સાથે કરી હતી . તેઓએ જણાવ્યું હતું કે કર્ણાવતી મહાનગરનો આ એક ઐતિહાસિક દિવસ છે કે જેમાં માતૃભૂમિના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર આ જ વિસ્તારના શહીદને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનું નામાભિધાન કરવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો માટે આ ખૂબ જ ધન્ય ઘડી છે.

કેપ્ટન નીલેશ સોની સિયાચીન ગ્લેશિયર પર ૧૯૦૦૦  ફીટની ઊંચાઈએ સ્ટ્રેટેજિક પોઇન્ટ પર રહીને -૬૦ ડીગ્રી ટેમ્પરેચરમાં લડતા-લડતા શહીદ થયા. તેમના આ અદ્વિતીય પરાક્રમને બિરદાવવાનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું આ એક વિશિષ્ટ પગલું છે જેનો મને અનહદ આનંદ છે. મારા વિસ્તારના આ વીર શહીદને નામે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ શાળાનું નામાભિધાન કર્યું. હું પાર્લામેન્ટમાં પણ જ્યારે શહીદોનો ઉલ્લેખ નીકળશે ત્યારે ચોક્કસ મારા વિસ્તારના આ શહીદની વાત કરીને તેઓને શ્રદ્ધાંજલિ આપીશ.

નિલેશભાઈના મોટાભાઈ જગદીશભાઈ સાથે મારે વાત થયા મુજબ તેમણે મિલેટ્રીને પત્ર લખ્યો કે મને સિયાચીનની ભૂમિ કે જ્યાં નીલેશ સોની શહીદ થયા હતા ત્યાંની માટી જોઈએ છે અને તેઓ જે ચલાવતા હતા તે તોપની પાછળનો હિસ્સો શ્રી નીલેશ સોનીની યાદગીરી સ્વરૂપે મારે જોઈએ છે

અને આ પત્ર મળતા વેંત જ ભારતીય લશ્કરના ત્રણ  મુખ્ય ઓફિસરો એ તમામ વસ્તુઓ લઈને જાતે જ નિલેશ સોનીના મોટા ભાઈને ઘરે આપવા માટે આવ્યા હતા આ શહીદ વીર નું સાચું સન્માન તેના અધિકારીઓએ પણ કર્યું એમ આપણે કહી શકીએ.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓનું શહીદ વીરોના નામે નામાભિધાન કરવાથી બાળકો ગર્વની લાગણી અનુભવશે અને સાથે સાથે તેઓની અંદર રાષ્ટ્ર પ્રેમની ભાવના પણ જાગૃત રહેશે. હું મારી જાતને સાંસદોને મળતી ગ્રાન્ટની રકમનો ટ્રસ્ટી માનું છું અને મેં હંમેશા સૌપ્રથમ શિક્ષણને જ પ્રાયોરિટી આપી છે અને તે મુજબ પાંચ સ્માર્ટ શાળાઓનું નિર્માણ એ મારી સાંસદ નિધીમાંથી થયેલ છે.જેનો મને અત્યંત આનંદ છે.મારી ગ્રાન્ટમાંથી સૌ પ્રથમ સ્માર્ટ શાળા કાંકરિયા શાળા નંબર ૬ બનાવવામાં આવી હતી. આ કાર્યો માટે શાળાના શિક્ષકો,  આચાર્ય અને કામ કરનાર સ્કૂલબોર્ડના સૌ અધિકારીઓ પ્રશંસાને પાત્ર છે.

હું પોતે એવું માનું છું કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સ્માર્ટ શાળાઓમાં કરેલું રોકાણ એ આવનારી ભવિષ્યની પેઢીમાં કરેલું ઉત્તમ રોકાણ માનવામાં આવશે.અત્યારે જ્યારે પ્રધાનમંત્રી પદે માનનીય શ્રીનરેન્દ્રભાઈ મોદીજી બિરાજમાન છે ત્યારે ભારતની લશ્કરી તાકાત પણ ખૂબ જ મજબૂત બની છે. આજે દુશ્મન દેશો આપણાથી ધ્રુજી રહ્યા છે.

આજે જ્યારે સમગ્ર ભારત આઝાદી નો અમૃત મહોત્સવ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપણને આ ઉત્સવમાં આહુતિ આપવાનો અવસર એવી રીતે પ્રાપ્ત થશે કે આગામી ૨૫ વર્ષ સુધીમાં એટલે કે ૨૦૪૭ સુધી આપણે નવા ભારતનું નિર્માણ કરવા માટે આપણું ઉત્તમ યોગદાન આપીએ અને આપણે સૌ શક્તિશાળી અને વિકસિત ભારતના નિર્માણ માટે કટિબદ્ધ થઈને કાર્ય કરીએ.એ જ આજના દિવસે આપણો શુભ સંકલ્પ હોઈ શકે.

આ પ્રસંગે ઉપસ્થિત અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા માન.મેયરશ્રી કિરીટભાઈ પરમારે  જણાવ્યું હતું કે કેપ્ટન નિલેશ સોનીનો જન્મ ૧૩ જુલાઈ, ૧૯૬૨ ના રોજ ગુજરાતમાં અમદાવાદના નજીક વિરમગામમાં થયો હતો. શ્રી હરજીવનભાઈ સોની અને શ્રીમતી કલાવતીબેન સોનીના પુત્ર, કેપ્ટન નિલેશે પ્રાથમિક શિક્ષણ શિશુવિહાર બાલમંદિર, પાલડીમાં અમદાવાદમાં પૂર્ણ કર્યું. બાદમાં તેઓ અમદાવાદના આંબાવાડીમાં સી.એન વિદ્યાલયમાં જોડાયા જ્યાં તેમણે પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો.

ત્યારબાદ તેઓ ગુજરાતમાં જામનગર નજીક સૈનિક સ્કૂલ, બાલાચડીમાં જોડાયા, જ્યાં તેમણે બારમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા. સૈનિક સ્કૂલ બાલાચડીમાં, તેમને સશસ્ત્ર દળોમાં સેવા આપવા માટે પ્રેરણા મળી અને તેમની રાષ્ટ્ર સંરક્ષણ એકેડેમીની પરીક્ષા પાસ કરી. તેમની તાલીમ પછી, ૯ જૂન ૧૯૮૪ ના રોજ, તેમને આર્ટિલરીની રેજિમેન્ટમાં ૬૨ ફિલ્ડ રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

નાસિકના દેવલાલીમાં એક વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ, તેમને લેફ્ટનન્ટ તરીકે બઢતી આપવામાં આવી હતી અને બાદમાં તેમના એકમ સાથે કારગિલ વિસ્તારમાં ખસેડવામાં આવ્યા હતા. કેપ્ટન નિલેશ સોનીને ડિસેમ્બર ૧૯૮૬માં સિયાચીન ગ્લેશિયરમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા, જે વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર છે જ્યાં શિયાળાના મહિનાઓમાં તાપમાન -૪૫ થી -૫૫ ડિગ્રી સુધી ઘટી જાય છે. કેપ્ટન નિલેશ લગભગ ૬૪૦૦ મીટરની ઉંચાઈ પર ફોરવર્ડ પોસ્ટ પર ત્રણ મહિના સુધી સેવા આપી હતી.

ઓપરેશન મેઘદૂત: ૧૨ ફેબ્રુઆરી, ૧૯૮૭ વખતે ૧૯૮૭ ની શરૂઆતમાં, કેપ્ટન નિલેશ સોની સિયાચીન ગ્લેશિયરમાં સેવા આપી રહ્યા હતા, પ્રતિકૂળ હવામાન તેમજ અનિશ્ચિત સરહદ પર દુશ્મનનો સામનો કરી રહ્યા હતા. આત્યંતિક હવામાન પરિસ્થિતિઓનો સામનો કરવા ઉપરાંત,

કેપ્ટન નિલેશ સોની અને તેના સૈનિકોને દુશ્મન દળો તરફથી અવિરત ગોળીબારનો સામનો કરવો પડ્યો હતો. ૧૨મી ફેબ્રુઆરી, ૧૯૮૭ ના રોજ, મધ્યરાત્રિની આસપાસ કેપ્ટન નિલેશ અને તેના સૈનિકોને તેમના નિયંત્રણ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ મળી. ટૂંક સમયમાં બંને પક્ષો વચ્ચે ભારે ગોળીબાર સાથે ભીષણ બંદૂક યુદ્ધ થયું.

દુશ્મન તરફથી નાના હથિયારોની ગોળીબાર સાથે આર્ટિલરી શેલિંગ કરવામાં આવી હતી જે હકીકતને સાબિત કરે છે કે તે દુશ્મન દ્વારા આયોજિત ચાલ હતી. ભારતીય દળોએ પણ જડબાતોડ જવાબ આપવા માટે કાર્યવાહી કરી, જોકે દુશ્મનોના એક શેલ ભારતીય ચોકીની સ્થિતિની પાછળ જ પર્વત પર અથડાયો.

ભારે ગોળીબારથી હિમપ્રપાત થયો જે ભારતીય દળો માટે ખૂબ જ ઘાતક સાબિત થયો. કેપ્ટન નિલેશ સોની ટન બરફ નીચે દટાયા હતા અને કઠોર હવામાન અને અવિરત દુશ્મનના ગોળીબારને કારણે સમયસર તેને બચાવી શકાયા ન હતા. કેપ્ટન નિલેશ સોની એક સમર્પિત સૈનિક અને એક ઉત્તમ અધિકારી હતા જેમણે રાષ્ટ્રની સેવામાં પોતાનો જીવ આપ્યો તેવા શહીદ વીર નીલેશ સોનીને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

આજની તારીખે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,અમદાવાદ સંચાલિત ૪૫૧ મ્યુનિ.શાળાઓમાં વિવિધ ૬ માધ્યમમાં આશરે ૧ લાખ ૬૧ હજાર જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. ચેરમેનશ્રી ધીરેન્દ્રસિંહ તોમર તથા શાસનાધિકારીશ્રી ડો.એલ.ડી.દેસાઇને ઉત્તમ નેતૃત્વ પૂરું પાડવા બદલ હ્રદયપૂર્વક બિરદાવું છું. સમગ્ર સ્કૂલ બોર્ડની ટીમને ખૂબ-ખૂબ અભિનંદન.

આ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરના માન.મેયરશ્રી કિરીટકુમાર પરમાર, માન.સંસદસભ્યશ્રી, અમદાવાદ પશ્ચિમ,શ્રી ડૉ.(પ્રોફે.)શ્રી કિરીટભાઈ સોલંકી, માન.ધારાસભ્યશ્રી એલીસબ્રીજ, શ્રી રાકેશભાઈ શાહ,માન. દંડકશ્રી, મ્યુનિ.ભાજપ શી અરુણસિંહ રાજપૂત,માન. ચેરમેનશ્રી,ધીરેન્દ્રસિંહ તોમર, માન.શાસનાધિકારીશ્રી ડૉ.એલ.ડી.દેસાઈ,

મ્યુનિ. કોર્પોરેશનની રેવન્યુ સમિતિના માન.ચેરમેનશ્રી જૈનીકભાઇ વકીલ તથા સ્થાનિક કાઉન્સીલરશ્રીઓ, નવનિયુક્ત સ્કુલ બોર્ડના માન.સભ્યશ્રીઓ તેમજ શહીદ વીર નીલેશ સોનીના પરિવારજનો, શહીદવીર ભદોરિયાના પરિવારજનો તથા શહીદવીર ઋષિકેશ રામાણીના પરિવારજનો પણ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમના અંતમાં આભારવિધિ નાયબ શાસનાધીકારીશ્રી ડૉ.અશ્વિનભાઈ ત્રિવેદીએ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.