અમદાવાદની કોવિડ સેન્ડરમાં દારૂની મહેફિલ માણતા બે યુવકો ઝડપાયા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા નક્કી કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલ ની બેદરકારીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં કોવિડ પોઝીટીવ પેશન્ટની અને કોવિડ નેગેટિવ રિપોર્ટ ધરાવતી વ્યક્તિ દારૂની મહેફિલ માણતા ઝડપાઇ છે. કોવિડ હોસ્પિટલમાં દારૂ અને પોઝીટીવ ન હોય તેવી વ્યક્તિ કેવી રીતે પહોંચ્યા તે તપાસનો વિષય બન્યા છે.
આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ બોડકદેવની હોટેલ જીંજરના રૂમમાંથી શુક્રવારે રાત્રે પોલીસે દારૂની બોટલ સાથે બે યુવકને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં કોરોના પોઝિટિવ યુવક સાથે તેનો મિત્ર પણ રોકાયો હતો. બે મિત્રો સાથે રહી દારૂની પાર્ટી કરવા રૂમમાં રહયા હતા. બે યુવકો પૈકી એક કોરોના પોઝિટિવ હોવાનું અને બીજાનો રિપોર્ટ આવવાનો બાકી છે.પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વસ્ત્રાપુર પોલીસ દ્વારા 15 ઓગસ્ટ ને ધ્યાનમાં રાખીને શુક્રવારે હોટલ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં વસ્ત્રાપુરની હોટલ જીંજરના મેનેજર શુભમ કુંજનકુમાર પાઠકને સાથે રાખી પોલીસે રૂમો ચેક કર્યા હતા. રૂમ નંબર 208 ખખડાવતા થોડા સમય બાદ દરવાજો ખુલ્યો હતો. દરમિયાન પોલીસની નજર રૂમમાં પડેલી ઈંગ્લીશ દારૂની બોટલ પર ગઈ હતી.આથી પોલીસે રૂમમાં રોકાયેલા બન્ને યુવકની પુચ્છપરછ કરી હતી.
પોલીસ તપાસમાં બોડકદેવ પાસે મલ્હાર એપાર્ટમેન્ટમાં રહેતાં જય દિનેશચંદ્ર પટેલ (ઉં,24)એ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું અને તેની સાથે તેનો મિત્ર આકાશ હસમુખભાઈ પટેલ (ઉં,24) રહે સરદાર પટેલ સોસાયટી સાણંદ હોવાનું જણાવ્યું હતું. આકાશનો કોરોના રિપોર્ટ આવવાનો બાકી છે. વસ્ત્રાપુર પોલીસે બન્ને યુવકો વિરૂધ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ કોરોના પોઝિટિવ દર્દી સાથે બીજો યુવક તેમજ હોસ્પિટલમાં દારૂ કેવી રીતે પહોંચ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.