Western Times News

Gujarati News

અમદાવાદની જેલ ફ્લાઈંગ સ્કવોડે ચેકિંગ હાથ ધરતા વધુ ૩ મોબાઈલ મળી આવ્યા

અમદાવાદ, જામનગરની જિલ્લા જેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. જેલમાં વધુ ૩ મોબાઈલ ફોન મળી આવ્યાં છે. જામનગર જિલ્લા જેલમાં ૪ દિવસ પૂર્વે ૩ મોબાઈલ મળી આવ્યા બાદ અમદાવાદ જેલ પ્રસાશનનું ધ્યાન ગયું હોય તેમ ગઈકાલે જેલ ફ્લાઈંગ સ્કવોડે જામનગર આવી જેલમાં ચેકિંગ હાથ ધરતા વધુ ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા. જેને લઈ ચકચાર મચી છે.

જેલ સ્કવોડના જેલરે સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે. જામનગર જિલ્લા જેલમાંથી વારે વારે મળી આવતી પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઘૂસાડવા પાછળ સ્ટાફનો હાથ હોવાની આસંકાઓ વ્યક્ત થઈ રહી છે. જેને લઈને તટસ્થ તપાસ કરવામાં આવે તો જ આ પ્રવૃત્તિઓ બંધ થાય અન્યથા આગામી સમયમાં પણ પ્રતિબંધિત ચીજવસ્તુઓએ મળતી જ રહેશે એમાં શંકાને સ્થાન નથી.

જામનગર જિલ્લા જેલ ફરી વિવાદમાં આવી છે. આ વખતે પણ પ્રતિબંધિત મોબાઈલ ફોનની જેલમાં હયાતીને લઈને વધુ એક વખત જેલ ચર્ચાનું કેન્દ્ર બની છે. ચાર દિવસ પૂર્વે સ્થાનીક જેલ પ્રસાશનના સ્ટાફને બેરેકના પગથીયા પાસેથી અને બેરેક અંદરથી પથારીમાંથી ૩ મોબાઈલ મળી આવ્યા હતા.

જે સંદર્ભે ત્રણ આરોપીઓ સામી વિધિવત ફરિયાદ પણ નોંધાઈ ચુકી છે. આ બનાવની સીટી એ ડીવીજન પોલીસ જેલ પહોચી તપાસ શરુ કરે તે પૂર્વે રાજ્ય જેલ વિભાગ અમદાવાદની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા ગઈ કાલે જામનગર આવી જેલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ગઈ કાલે બપોરે હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન યાર્ડ નંબર પાંચમાંથી નોકીયા કંપનીનો મોબાઇલ, તથા સેમસંગ કંપનીનો મોબાઇલ તેમજ નોકીયા કંપનીનો કાળા કલરનો મોબાઇલ એવા ૨ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

આ મોબાઈલની ઘટનાને લઈને દેવશી રણમલભાઇ કરંગીયા જેલર ગ્રુપ ૦૨, ઝડતી સ્કોડ જેલર જિલ્લા જેલર, અધીક પોલીસ મહાનિર્દેશક અને જેલ સુધારાત્મક વહીવટી સુભાષ બ્રીજ સર્કલ અમદાવાદ વાળાએ અજાણ્યા આરોપીઓ સામે સીટી એ ડીવીજન પોલીસમાં આઈપીસી કલમ ૧૮૮ તથા પ્રિઝન એક્ટની કલમ ૪૨, ૪૩ અને ૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં ત્રણેય ફોનના ઉપયોગકર્તા આરોપીઓએ જેલના પ્રતીબંધીત વિસ્તારમા કોઇએ અનાધીક્રુત રીતે મોબાઇલ પહોચાડી યાર્ડ નંબર-૦૫ મા રાખી ગુનો આચાર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આ બનાવ અંગે સીટી એ ડીવીજન પોલીસના પીએસઆઈ આઇ.આઇ.નોયડા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

અમદાવાદ જેલ સ્કવોડની ઝડતી દરમિયાન જે મોબાઈલ મળી આવ્યા છે તે ૩ મોબાઈલમાંથી એક મોબાઈલના તો આઈએમઈઆઈ નંબર પણ ઘસાઈ ગયા છે. જેલના સ્ટાફ વગર મોબાઈલ અંદર ઘુસે એ શક્ય જ નથી ત્યારે સ્ટાફની તપાસ પણ જરૂરી બની છે. વારે વારે મળી આવતી પ્રતિબંધિત ચીજવસ્તુઓને લઈને કડક કાર્યવાહી થાય તો જ પ્રવૃતિઓ બંધ થશે અન્યથા આ જ રફતાર ચાલુ રહેશે એમ જાણકારોએ જણાવ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.