Western Times News

Gujarati News

અમદાવાદની દિકરી માના પટેલ ઓલમ્પિક્સમાં દેશનું “માન” વધારશે

ટોકિયો ઓલમ્પિક્સમાં બેકસ્ટ્રોક સ્વીમીંગ કેટેગરીમાં પસંદગી પામનારી દેશની પ્રથમ મહિલા

હૈદરાબાદમાં યોજાયેલ રાષ્ટ્રીય સ્પર્ધામાં માનાએ જ્યારે પુરુષોને હંફાવીને નેશનલ રેકોર્ડ પોતાને નામે કર્યો ત્યારે ઢોકળા અને ફાફડા ખાનારી ગુજ્જુ દિકરીના આ પ્રદર્શનથી હૈદરાબાદના લોકો આશ્ચ્રર્યચકિત થઇ ગયા હતા.

11 વર્ષના પરિશ્રમને આખરે પરિણામ મળ્યું -11 વર્ષની સ્વીમીંગ કારકિર્દીમા 78 રાષ્ટ્રીય અને 25 આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ્સ સાથે કુલ 150 થી વધુ પદકો પોતાના નામે કર્યા છે

અમદાવાદની સ્વીમર માના પટેલની ટોકિયો ઓલમ્પિક્સની બેકસ્ટ્રોક સ્વીમીંગ સ્પર્ધા માટે પસંદગી થઇ છે.ટોકિયો ઓલમ્પિક્સમાં બેકસ્ટ્રોક સ્વીમીંગ કેટેગરીમાં પસંદગી પામનારી દેશની પ્રથમ મહિલા બની છે.

જાપાનના ટોકિયો શહેરમાં યોજાનારી ઓલમ્પિક્સ 2020માં માના પટેલ દેશનું પ્રતિનિધિત્વ કરી ગુજરાત અને દેશનું આંતરરાષ્ટ્રીય સ્તરે માન વધારશે.

અમદાવાદ શહેરના સી.જી.રોડ વિસ્તારમાંરહેતી માના પટેલ છેલ્લા 11 વર્ષથી સ્વીમીંગ કરે છે. 10 વર્ષની નાની ઉમરથી જ તેણે સ્વીમીંગમાં ઝંપલાવ્યું હતુ. તેના માતા-પિતા કહે છે કે, બાળપણમાં માનાની રૂચિ વિવિધ રમતોમાં જોવા મળતી હતી.પરંતુ સ્વીમીંગમાં વધારે રસ દાખવતી હોવાથી તેણે સ્વીમીંગ માં જ કારકિર્દી બનાવવાનું અને આગળ વધવાનું નક્કી કર્યું. માના પટેલ ઘોરણ 12 માં 85 ટકા થી પણ વધારે પરિણામ સાથે ઉતીર્ણ થઇ હતી. તે છતાં તેણે પોતાનું કારિકિર્દી ઘડતર સ્પોર્ટ્સમાં જ કરવાનું નક્કી કર્યું.

વર્ષ 2011 થી 2021 સુધીમાં 78 રાષ્ટ્રીય અને 25 આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ્સ પોતાના નામે કર્યા છે. માનાએ આ 11 વર્ષમાં કુલ 150 થી પણ વધું પદકો વિવિધ સ્તરે જીતીને પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવ્યો છે જે મહેનતનું આજે પરિણામ મળ્યું છે.

માનાની કારકિર્દી ઘડતરની શરૂઆત રાજયના ખ્યાતનામ સ્વીમીંગ કોચ કમલેશ નાણાવટીના માર્ગદર્શન હેઠળ થઇ હતી. વર્ષ 2011 થી 2015 સુધી કમલેશ નાણાવટીએ માના પટેલને સ્વીમીંગ માટે તૈયાર કરી. કોચ નાણાવટી કહે છે કે, આજે ઓલમ્પિક્સમાં થયેલ માનાનું સિલેક્શન નવાઇ પમાડે તેવી બાબત નથી. માના પહેલેથી જ દરેક સ્તરે શ્રેષ્ઠ રહી છે. 2016ના રિયો ઓલમ્પિક્સ વખતે થયેલ ગંભીર ઇજાના કારણે તે પ્રદર્શન કરી શકી ન હતી. ગંભીર ઇજા થયેલ હોવા છતા પણ માનાની દરેક સ્પર્ધામાં જીતની જીદ, જુસ્સોમાં પાછીપાની કરતી જોવા મળી નથી.

માના પટેલના માતા આનલ પટેલ કહે છે કે, મને આજે પણ હૈદરાબાદ ખાતેની એ તરણ સ્પર્ધા યાદ છે જ્યાં માનાએ પુરુષોને હરાવીને રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યો હતો . ફાફડા અને ઢોકળા ખાનારી ગુજરાતી દિકરી આટલું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે હૈદરાબાદના લોકો માટે પણ આશ્ચર્યજનક વાત હતી.

માના પટેલ જોડે જ્યારે માહિતી વિભાગની ટીમે રૂબરુ મુલાકાત કરી ત્યારે તેણે ટોકિયો ઓલમ્પિક્સની સફળતાનો શ્રેય માતા આનલ પટેલ અને પિતા રાજીવ પટેલના સમર્પણ, કોચ કમલેશ નાણાવટી સરના પુરૂષાર્થ અને ગુજરાત સરકારની શક્તિદૂત યોજનાને જાય છે તેમ જણાવ્યુ હતુ.

મારી માતાએ બાળપણ થી જ પરસેવો રેડીને મારી કારકિર્દી ઘડતર માટે અથાગ પરિશ્રમ કર્યો છે. કોચ નાણાવટીએ હરહંમેશ મારો જુસ્સો વધાર્યો છે.મારી પ્રતિભાને ઓળખીને મારા શ્રેષ્ઠ પ્રદર્શન માટે નિરંતર મારા પર ભરોષો રાખ્યો છે. ગુજરાત સરકારની શક્તિદૂત યોજના થી મને એક પ્લેટફોર્મ મળ્યું છે. નાણાકીય સહાય મળી છે. જેના દ્વારા હું આંતરરાષ્ટ્રીય સ્તરે લગાતાર  શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકી છું.

ટોકિયો ઓલમ્પિક્સમાં હું મારી કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધારવાના તમામ પ્રયાસો કરીશ. આગામી વર્ષ 2022માં એશિયન ગેમ્સ યોજાનાર છે ત્યારે ટોકિયો ઓલમ્પિક્સનો અનુભવ મને એશિયન ગેમ્સ માટે પણ ઉપયોગી નિવડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.