આ કારણસર અમદાવાદની નેલ્સન સ્કૂલને સીલ મારી દેવાયું
અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શહેરની શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે
રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર NOC ન ધરાવતી શાળાઓ સામે લાલ આંખ
અમદાવાદ,રાજકોટના હચમચાવીને રાખી દેનારા અગ્નિકાંડ બાદ હવે ફાયર NOCને લઈને તંત્ર સાબદુ થયુ છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શહેરની શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. જેમા ફાયર NOC ન ધરાવતી મણિનગરની નેલ્સન સ્કૂલને સ્કૂલને સીલ કરવામાં આવી છે. રાજકોટના ગોજારા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી મુદ્દે તંત્ર ગંભીર બની કામગીરી કરી રહ્યુ છે.
રાજકોટ અગ્નિકાંડની ઘટનાના બીજા જ દિવસથી અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે ચકાસણી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરની ૫૫૯ જેટલી શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. આ દરમિયાન શહેરની ૪ શાળાઓ પાસે ફાયર NOC ન હોવાનુ ધ્યાને આવ્યુ છે. તેમજ ધાબા પર શેડ બનાવી બાળકોને અભ્યાસ કરાવતી શાળાઓ પણ ધ્યાનમાં આવી છે. ફાયર NOC ન ધરાવતી બે શાળાઓને સીલ કરવામાં આવી છે.
જેમા મણિનગરની નેલ્સન સ્કૂલ અને જય અંબે સ્કૂલને સીલ કરાઈ છે. આ બંને શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શહેરની ૫૯ જેટલી શાળાઓ એવી પણ સામે આવી છે જેમા ફાયર NOC હતી પરંતુ નજીકના ભવિષ્યમાં જ એમની NOC પૂર્ણ થાય છે, જેને NOC રિન્યુ કરવા જણાવાયુ છે.
જો સીલ કરાયેલી શાળા દ્વારા નિયત સમય મર્યાદાની અંદર ફાયર NOCની કાર્યવાહી નહીં કરવામાં આવે તો તે શાળાને સીલ જ રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓને વડી કચેરીના માર્ગદર્શન મુજબ અન્ય શાળામાં પ્રવેશ માટેની કાર્યવાહી કરવામાં આવશે. મણિનગરની જે સ્કૂલને સીલ કરવામાં આવી છે તેમાં હાલ ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા પાસે ફાયર NOC ન હોવાનું અને મકાન પણ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. DEO ના જણાવ્યા મુજબ ફાયર NOC અને જરૂરી પ્રમાણપત્રો રજૂ કર્યા બાદ શાળાનું સીલ ખોલવામાં આવશે.ss1