અમદાવાદની બ્રાઈટ કંપનીએ બોગસ બિલો બનાવી રર કરોડની ક્રેડિટ મેળવી

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, ડાયરેકટર જનરલ ઓફ એકસાઈઝ ઈન્ટેલીજન્સની અમદાવાદ ઝોનલ ઓફીસના અધિકારીઓએ અમદાવાદની બ્રાઈટ નામની કંપનીમાં દરોડા પાડીને બોગસ બિલો બનાવીને મેળવીલે રૂ. રર કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ લેવાનું કૌભાંડ પકડી પાડયું છે. માસ્ટર માઈન્ડ વિનય કુમાર અગ્રવાલ ભાગી ગયો છે. દરોડામાં બોગસ કંપનીઓ ઉભી કરીને કાગળ પર નાણાકીય વ્યવહારો અને માલની ડિલીવરી કરી હોવાનું બતાવ્યું હોય તેવા દસ્તાવેજાે જપ્ત કર્યા છે.
ટોચના સુત્રોએ જણાવ્યું કે, અંદાજે રર કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવી લીધી હોવાનું બહાર આવ્યું છે. કેસમાં સંડોવાયેલા અન્ય વેપારીઓના ત્યાં પણ તપાસ ચાલી રહી છે. ઈનપુટ ટેક્ષ ક્રેડીટ લેવામાં મદદગારી બદલ ધરપકડ થવાની શકયતાઓ છે. હાલ વિનય કુમાર અગ્રવાલની ધરપકડ કરવા માટે રાજયભરમાં તપાસ ચાલી રહી છે.
ધરપકડ બાદ અન્ય વેપારીઓના નામ બહાર આવી શકે છે. ખોટી રીતે ટેક્ષ ક્રેડીટ લેવાના કિસ્સા જીએસટીના ચોપડે પણ નોધાયેલા છે. પ્રથમવાર એકસાઈઝ ઈન્ટેલીજીન્સે અમદાવાદની કંપનીમાં દરોડો પાડીને કૌભાંડ પકડી પાડયું છે. વિનય કુમારની સાથે સંકળાયેલા લોકો સુધી પણ તપાસનો રેલો લંબાશે.