અમદાવાદની વધુ સાત સોસાયટીનો માઈક્રો કન્ટેનમેન્ટમાં સમાવેશ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકડાઉન 4 સુધી જે વિસ્તાર માં વધુ કેસ આવ્યા હોય તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા હતા. જયારે અનલોક1માં સમગ્ર વિસ્તારના બદલે જે તે સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી રહી છે. જેને માઈક્રો કન્ટેનમેન્ટ નામ આપવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં 37 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રવિવારે વધુ સાત સોસાયટીનો સમાવેશ કરવામાં આવતા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 44 થઈ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યા મુજબ અધિક સચિવ ડો.રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સાત સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ઉતરપશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડની ગજરાજ 2 સોસાયટીના 80 મકાનના 340 નાગરિકો, મેમનગર સુભાષચોક વિસ્તારમાં આવેલા મારુતિ ડુપ્લેક્સના 15 મકાનમાં 56 રહીશોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરખેજના જુના રોહિતવાસ, પશ્ચિમઝોનના વાસણા વૉર્ડમાં કૃપા ફ્લેટસ, સાબરમતી વોર્ડમાં ઠાકોરવાસ અને ડાહ્યાભાઈની ચાલી, નારણપુરા વૉર્ડમાં કર્ણાવતી ફ્લેટ તેમજ ચાંદખેડાવૉર્ડમાં તેજેન્દ્ર સોસાયટીનો સમાવેશ થાય છે. માઈક્રો કન્ટેનમેન્ટઝોનમાં મૂકવામાં આવેલી સાત પૈકી ચાર સોસાયટી પશ્ચિમઝોનમાં છે.