Western Times News

Gujarati News

અમદાવાદની સાબરમતી કિનારે નદી પૂજા – ઘાટ આરતી – રીવર મશાલ દીપોત્સવ યોજાયો

‘નદી ઉત્સવ’નું અમદાવાદ ખાતે સમાપન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

નદીઓની શુદ્ધતા જળવાય તેમાં ગંદકી ન થાય તે આપણી સૌની નૈતિક જવાબદારી અને નાગરિક ફરજ છે

નદી ઉત્સવ’ના કાર્યો આવનારા લાંબા સમય સુધી ગુજરાતની જનતાને નદી અને પર્યાવરણની રક્ષા અને સ્વચ્છતાના સંદેશા સાથે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની નેમ પણ પાર પાડશે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણી સનાતન સંસ્કૃતિમાં પવિત્ર નદીઓમાં સ્નાનનો મહિમા મંડિત થયેલો છે. સૌને પીવાનું પાણી પુરો પાડતો કુદરતી સ્ત્રોત એટલે આપણી લોકમાતા સમાન નદીઓ. માનવ જીવનને પોષતી અને વિકાસની ભાગ્ય રેખા સમી લોકમાતા નદીઓની શુદ્ધતા જળવાય તેમાં ગંદકી ન થાય, તે આપણી સૌની નૈતિક જવાબદારી ઉપરાંત નાગરિક ફરજ છે

નદી ઉત્સવથી નદી શુદ્ધ કરવાનો જનસહયોગ શ્રમયજ્ઞ આપણે સુપેરે કરી બતાવ્યો છે. ‘નદી ઉત્સવ’ના કાર્યો આવનારા લાંબા સમય સુધી ગુજરાતની જનતાને નદી અને પર્યાવરણની રક્ષા અને સ્વચ્છતાના સંદેશા આપતા રહેશે એટલું જ નહિ પરંતુ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની નેમ પણ પાર પાડશે એમ તેમણે ઉમેર્યું હતું.

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણતાના અવસરે દેશભરમાં ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશની પ્રગતિ અને પ્રકૃત્તિમાં મહત્વનું યોગદાન આપતી નદીઓનું ગૌરવગાન અને સન્માન કરવાના હેતુથી રાજ્યભરમાં યોજાયેલા “નદી ઉત્સવ” નું અમદાવાદના સાબરમતી તટે આસ્થામય સમાપન થયું હતું

અમદાવાદની સાબરમતી કિનારે નદી પૂજા – ઘાટ આરતી – રીવર મશાલ દીપોત્સવનાં પગલે સમગ્ર વિસ્તારમાં નયનરમ્ય દ્રશ્યો  યોજાયા હતા.

મુખ્યમંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપેયીજીની જન્મજયંતિ રપમી ડિસેમ્બરથી ગુજરાતમાં સુશાસન સપ્તાહનો આપણે આરંભ કર્યો છે.

નાગરિકને માળખાકીય સુવિધાઓ મળે તેવી શાસન વ્યવસ્થા ઉપલબ્ધ કરવાનો ધ્યેય સાકાર કર્યો છે. આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં તો ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી અને નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાનનો મહિમા મંડિત થયેલો છે. દરેક શુભ કાર્યમાં ભારત વર્ષની આ મુખ્ય નદીઓને યાદ કરી અંજલી-તર્પણ કરવાનો આપણે ત્યાં રિવાજ અને પરંપરા છે.

મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યું હતું કે પર્યાવરણ રક્ષા, કલીન-ગ્રીન એન્વાયરમેન્ટ, શુદ્ધ જળ માટે નદીઓની સુરક્ષા અને જળભંડારો સમૃદ્ધ કરવા જેવા સમયાનુકુલ કાર્યોને પણ રાજ્ય સરકારે મહત્વ આપ્યું છે.

લોકોની પાયાની જરૂરિયાત એવા પીવાનું પાણી પુરા પાડતા કુદરતી સ્ત્રોત સમાન આપણી નદીઓ રાજ્યની હસ્તરેખા એટલે કે ભાગ્ય વિધાતા છે, તેમ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે ત્યારે નદીઓની શુદ્ધતા જળવાય તેમાં ગંદકી ન થાય  તે આપણી સૌની નૈતિક જવાબદારીની સાથે નાગરિક ફરજ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું હતું કે દરેક શુભ કાર્યમાં નદીઓને અંજલી-તર્પણ કરવાની પરંપરા આજે પણ જળવાઈ છે. આપણા રાજ્યમાં નદીઓથી જળ સંપન્ન બનેલા વિસ્તારોના પગલે રાજ્યોનું જનજીવન ધબકતું રહ્યું છે એટલું જ નહિ પરંતુ રાજ્યના વિકાસને પણ અગ્રેસર રાખ્યો છે. પીવાના પાણી ઉપરાંત સિંચાઇ-ખેતીવાડી, ઉદ્યોગ, વીજ ઉત્પાદન વગેરે બહુવિધ મલ્ટીપલ સેક્ટર માટે પણ નદીઓ જીવનદાત્રી છે ત્યારે તેનું જતન સંવર્ધન આપણી સૌની જવાબદારી છે.

નદી ઉત્સવના માધ્યમથી નદીની સ્વચ્છતા અને શુદ્ધતાના અભિયાનને મુખ્યમંત્રી શ્રી એ બિરદાવતા કહ્યું હતું કે આજે આપણે સાબરમતી નદીના તટે આ નદી ઉત્સવની પુર્ણાહૂતિ ભલે કરીએ પણ નદીને શુદ્ધ પવિત્ર રાખવાના આપણા સંકલ્પ યથાવત રહેવાના છે. સાબરમતી નદીને આદરણીય નરેન્દ્રભાઈએ રિવરફ્રન્ટના નિર્માણ દ્વારા નવો નિખાર આપ્યો છે. ત્યારે નદીઓને સિટી બ્યૂટીફિકેશન સહિતના નવતર આયામો થકી બહુવિધ ઉપયોગી બનાવવાની સરકારની નેમ તેમણે વ્યક્ત કરી પર્યાવરણ રક્ષા માટે શ્રમદાન કરનારા સૌને ધન્યવાદ આપ્યા હતા.

જળ – સંપતિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં નદીઓનું   સ્થાન છે. કોઈપણ સંસ્કૃતિના વિકાસ માટે નદી તટ સદાય ઉપયોગી રહ્યા છે. આપણા ઋષિઓએ પણ નદીની પવિત્રતા જાળવવાની પરંપરા વર્ણવી છે. આ નદીના પાણી દુષિત થતું અટકાવવું અનિવાર્ય છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “ગંગા સફાઈ” નું સાર્વત્રિક  અભિયાન હાથ ધર્યું છે ત્યારે આ નદી ઉત્સવ સાચા અર્થમાં સફાઈ અને પર્યાવરણ સુરક્ષાનો પર્યાય બનશે તેવો વિશ્વાસ છે.

નદી સંસ્કૃતિના માહાત્મ્યને ઉજાગર કરતી હર હર ગંગે ની નાટ્ય પ્રસ્તુતિએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું.

જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજે આશીવર્ચન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતગર્ત નદી મહોત્સવનું આ આયોજન ગૌરવપૂર્ણ છે. નદીઓ તળાવોના જતન સાથે પ્રકૃતિના સૌદર્યનું પણ જતન કરવું તે સમયની માંગ છે. આવી આરતી સમય પર્યત ચાલુ રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, કલેટરશ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલીયા, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન, શહેર પ્રમુખ અમિતભાઈ શાહ, દંડક શ્રી અરૂણસિંહ રાજપૂત, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ,  રાજેન્દ્રદાસજી મહારાજ, જય રામદાસજી મહારાજ,  વગરે ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.