Western Times News

Gujarati News

અમદાવાદની સાબરમતી નદીમાં કોરોના વાયરસ મળ્યો

Files Photo

અમદાવાદના પ્રખ્યાત તળાવો કાંકરિયા અને ચંડોળામાંથી લેવાયેલા સેમ્પલ પણ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની સૌથી ખતરનાક અને ગંભીર ખબર સામે આવી છે. અમદાવાદનીની સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળી આવ્યો છે. સાબરમતી નદીમાંથી લેવાયેલા તમામ નમૂના કોરોનાથી સંક્રમિત નીકળ્યા છે. અમદાવાદની લાઈફલાઈન સાબરમતી નદીમાં પણ કોરોના વાયરસ હોવાનો પુરાવો સામે આવ્યો છે. માત્ર સાબરમતી નદી જ નહિ, અમદાવાદના પ્રખ્યાત તળાવોમાંથી લેવાયેલા સેમ્પલ પણ પોઝિટિવ આવ્યા છે.

અમદાવાદના કાંકરિયા, ચંડોળા લેકમાંથી લેવાયેલા સેમ્પલ પણ પોઝિટિવ નીકળ્યા છે. આઈઆઈટી ગાંધીનગર સહિત દેશની ૮ સંસ્થાઓ દ્વારા આ સરવે હાથ ધરાયો હતો. ગત વર્ષે સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી, તે દરમિયાન કોરોનાની હાજરી વિશે ખબર પડી હતી. તે અભ્યાસ બાદ પ્રાકૃતિક જળ સ્ત્રોત વિષે જાણકારી મેળવવા માટે ફરી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી દેશના કેટલાક શહેરોમાં સિવેજ લાઈનમાં કોરોના વાયરસ મળ્યો હોવાની પુષ્ટિ થઈ છે.

પણ પહેલીવાર પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં પણ કોરોના વાયરસ મળ્યો છે. લેવાયેલા સેમ્પલમાં કોરોના વાયરસની હાજરી ઘણી વધુ જાેવા મળી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, કોરોના વાયરસ પ્રાકૃતિક જળમાં પણ જીવિત રહી શકે છે. તે માટે જાણકારો કહી રહ્યા છે કે, તમામ પ્રાકૃતિક જળ સ્ત્રોતની તપાસ કરવી જરૂરી છે. આમ, ગુજરાતની નદીઓ પણ કોરોનાથી મુક્ત નથી. સાબરમતી નદી કેટલાય વિસ્તારોમાંથી વહે છે, ત્યારે આ વાયરસ પાણીના માધ્યમથી અનેક જગ્યાએ પ્રસરી શકે છે.

આઈઆઈટી ગાંધીનગરના ભૂર્ગભ વૈજ્ઞાનિક મનીષ કુમારે આ વિશે જણાવ્યું કે, તેમાં કેટલા ટકા વાયરસ જીવતો તે હજી જાણી શકાયુ નથી. અમે પાણીનું ટેસ્ટીંગ કર્યું છે. અમારા ટેસ્ટીંગમાં એક લિટરમાં કેટલુ પ્રમાણ છે તે જાણી શકાયું છે. અમે લીધેલા સેમ્પલમાંથી ૫ સેમ્પલ પોઝિટિવ નીકળ્યા છે. અલગ અલગ દિવસોએ આ સેમ્પલ લીધા હતા. નદી અને અમદાવાદના તળાવોમાંથી આ સેમ્પલ લેવાયા હતા. આ બાદ આગળ શું કરી શકાય તે વિશે મનીષ કુમારે વધુમાં જણાવ્યું કે, પાણીમાં કેટલાક વાયરસ જાેવા મળ્યા છે. જાેકે, પાણીથી વાયરસનો ખતરો હોવાનું હજી સિદ્ધ થયુ નથી.

પણ હજી મોનિટરિંગ કરવાની જરૂર છે. પણ જ્યાંથી વધુ પ્રમાણમાં પાણી લેવાય છે ત્યા ધ્યાન રાખવાની જરૂર છે, આ પાણીમાં કેટલાક ટકા વાયરસ જીવતા રહી શકે છે. તેના રિસ્ક પણ છે, પણ તે વધુ નથી. તેથી મોનિટરિંગ સિસ્ટમ અને ગાઈડલાઈન હોવી જરૂરી છે. આ મામલે સતર્ક રહેવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.