Western Times News

Gujarati News

અમદાવાદની સિવિલમાં ઓમિક્રોન વોર્ડ ઊભો કરાયો

બીજી લહેર જેવો ઊહાપોહ ના થાય અને દર્દીઓને અગવડ ના પડે તે માટેની વ્યવસ્થા ૧૨૦૦ બેડમાં ઉભી કરાઈ

અમદાવાદ, કોરોનાની બીજી લહેર દરમિયાન અમદાવાદમાં હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની વિશાળ લાઈનો લાગી હતી. જેમાંથી કંઈક શીખીને સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા ઓમિક્રોન વેરિયન્ટને ધ્યાનમાં રાખીને ખાસ તૈયારીઓ આરંભી દીધી છે.

કોરોનાના વોર્ડમાં ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓને રાખવા ના પડે તે માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ સિવિલમાં આવેલી ૧૨૦૦ બેડ હોસ્પિટલની મુલાકાત લીધી છે, અહીં ઓમિક્રોનના દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ઓમિક્રોન વોર્ડમાં ૪ વિંગ બનાવવામાં આવી છે. આ વિંગમાં ૧૨-૧૨ વેન્ટિલેટર બેડની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રિપોર્ટ્‌સ મુજબ ૧૨૦૦ બેડ હોસ્પિટલના પાંચમા માળે ઓમિક્રોન વોર્ડ બનાવવામાં આવ્યો છે. જાેકે, હજુ માત્ર ગુજરાતના જામનગરમાં એક માત્ર ઓમિક્રોનનો કેસ આવ્યો છે આમ છતાં પૂર્વ તૈયારીના ભાગ રુપે અમદાવાદ સિવિલમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. જે ચાર વિંગ તૈયાર કરવામાં આવી છે તેમાંથી બે વિંગમાં સાધન-સામગ્રી સાથે કામગીરી શરુ કરી દેવામાં આવી છે.

આ વોર્ડમાં મેડિકલ સ્ટાફને કેટલીક જરુરી કામગીરી પણ સોંપવામાં આવી છે. આ વોર્ડને ઉપયોગમાં લેતા પહેલા તેને સેનિટાઈઝ પણ કરવામાં આવ્યો હતો. આ વોર્ડમાં જે જરુરી તૈયારીઓ કરવામાં આવી છે તેની આરોગ્ય વિભાગના અધિકારી સહિત સિવિલના સુપ્રિટેન્ડનન્ટ દ્વારા પણ મુલાકાત લેવામાં આવી હોવાનું રિપોર્ટ્‌સમાં જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો એક કેસ જામનગરમાં નોંધાયો છે. આ દર્દીની ઝિમ્બાબ્વેની ટ્રાવેલ હિસ્ટ્રી છે.

૭૨ વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં તેઓ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય તેમના સંપર્કમાં આવેલા તેમના સાળા અને પત્નીની પણ કોરોના પોઝેટિવ હોવાથી તેમની પણ જરુરી તપાસની કામગીરી કરવામાં આવી રહી છે.

ભારતમાં એક દિવસ પહેલા જે ઓમિક્રોનના કેસની સંખ્યા ૪ હતી તે હવે ૨૦ને પાર કરીને ૨૨ પર પહોંચી ગઈ છે. ઓમિક્રોનના દહેશત વચ્ચે લોકોને કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે. કોરોનાનો નવો વેરિયન્ટ બીજી લહેર જેવી ઉભી ના કરે તે માટે કેટલીક તકેદારી રાખવી જરુરી બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.