અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 17 હજારથી વધુ લોકોને રસી અપાઈ
8 હજાર થી વધુ હેલ્થકેર વર્કર્સ(આરોગ્યકર્મી) અને 5 હજારથી વધુ ફ્રંટલાઈન વર્કર્સ(પ્રથમ હરોળના કર્મચારી)ને રસી અપાઈ
એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે આજદિન સુધી 17,401(સત્તર હજાર ચારસો એક) લોકોને રસી આપવામાં આવી છે.જેમાં ફ્રંટલાઈન વર્કર્સ, હેલ્થલાઈન વર્કર્સ, સિનિયર સિટિઝન, અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ 17 હજારથી વધુ લોકોમાં 8 હજારથી વધુ હેલ્થકેર વર્કર્સ અને 5 હજારથી વધુ ફ્રંટલાઈન વર્કર્સને આવરી લેવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આજ દિન સુધી( 19 માર્ચ,2021) 8,213 હેલ્થકેર વર્કર્સ(આરોગ્યકર્મી)ઓને અને 5,124 ફ્રંટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી છે.
આ ઉપરાંત 1179 સિનિયર સિટિઝનને રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ રસીકરણ ઝુંબેશમાં 45 વર્ષથી વધુ અને 60 વર્ષથી નીચેના પણ કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોને પણ રસીકરણમાં પ્રાથમિકતા આપવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જેના પગલે આ શ્રેણીમાં 775 થી વધુ લોકોને રસી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવીડના કેસની સંખ્યા વધતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાકીદની બેઠક યોજી રસીકરણની ઝુંબેશ વધુ વેગવાન બનાવવાની સૂચના આપી હતી, જેના પગલે સરકારી હોસ્પિટલોમાં યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરવામાં આવી છે.
સિવિલ હૉસ્પિટલમાં યુ.એન.મહેતા, કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અને કિડની ઈન્સ્ટીટ્યૂટ ખાતેના રસીકરણ કેન્દ્ર ખાતે પણ પ્રાથમિકતા ધરાવતા 450થી વધુ લોકોને રસી અપાઈ
સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સ્થિત યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચમાં 19 માર્ચે 174થી વધુ લોકોને રસી આપવામાં આવી. જેમાં 97 હેલ્થકેર વર્કર્સ, 3 ફ્રંટલાઈન વર્કર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 45 થી 60 વર્ષની વચ્ચેની વય અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા 17 લોકોને રસી આપવામાં આવી. જ્યારે 60 થી વધુ વય ધરાવતા 57 વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી.
જ્યારે કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ખાતે 70 લોકોને રસી અપાઈ. જેમાં 55 હેલ્થકેર વર્કર્સ, 11 સિનિયર સિટીઝનનો સમાવેશ થાય છે. જ્યારે 45 થી વધુ વય ધરાવતા અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા 04 લોકોનો સમાવેશ થાય છે.