અમદાવાદની હોસ્પિટલોમાં ફરી કોવિડના ખાટલા ભરાયા
અમદાવાદ: શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે હવે ફરી એકવાર ખાલી પડેલી પ્રાઈવેટ કોવિડ-૧૯ હોસ્પિટલોના બેડ ૮૧ ટકા જેટલા ભરાઈ ગયા છે. હજુ એક જ સપ્તાહ પહેલા ૧ માર્ચના દિવસે આ હોસ્પિટલોમાં કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યા ૧૬૫ હતી જે ૮ માર્ચના દિવસે સવાર સુધીમાં વધીને ૩૦૦ થઈ ગઈ છે. કોરોના કેટલી તીવ્ર ગતીએ પોતાનું ચક્ર ફેરવી રહ્યો છે તે આ અઠવાડિયામાં ૩૦૦ના આંકડાને જાેઈને ખબર પડે છે.
રાજ્યમાં કોરોના કેસ વધવાનું આ ત્રીજું મોજું છે આ પહેલા મેથી જુલાઈ અને પછી ગત વર્ષે નવેમ્બરમાં અને હવે ફરી એકવાર માર્ચની શરુઆત સાથે કેસ સતત વધી રહ્યા છે. દૈનિક કોરોના દર્દીઓમાં પણ ૧ માર્ચથી ૭ માર્ચ વચ્ચે ૩૫ ટકા જેટલો વધારો થયો છે. તો હોસ્પિટલમાં રિકવર થતા દર્દીઓ અને નવા કોરોના કેસ વચ્ચે તફાવતનો આંકડો મોટો થતા હોસ્પિટલોમાં પણ બેડ ઓક્યુપન્સીમાં સતત વધારો થઈ રહ્યો છે.
અમદાવાદ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ એસોસિએશન (એએચએએનએ)ના પ્રમુખ ડો.ભરત ગઢવીએ દાવો કર્યો હતો કે સંસ્થાની સભ્ય હોસ્પિટલોમાં ૧૬ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી ૧૫ દિવસમાં ૧૦૦થી ૨૦૦ સુધી ૧૦૦ કેસનો ઉમેરો નોંધાયો છે. જ્યારે આગામી ૧૦૦ દર્દીઓ માત્ર પાંચ દિવસમાં ઉમેરાયા છે. ‘બેડ ઓક્યુપન્સીનું વિશ્લેષણ પણ શહેરના પશ્ચિમ વિસ્તારોમાંથી ૮૫ ટકાથી વધુ કેસો તરફ નિર્દેશ કરે છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા જણાવે છે કે ગુજરાતમાં ૩,૧૪૦ સક્રિય કેસોમાંથી ૭૨૧ અથવા ૨૩ ટકા કેસ ૭ માર્ચ સુધીમાં એકલા અમદાવાદના હતા.
નિષ્ણાતોએ આ ઉછાળા માટે માણસોની વધતી જતી ભીડને જવાબદાર ગણાવી છે, જેની શરુઆત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રેલીઓ અને સભાઓથી થઈ છે જે મતદાનના દિવસે પણ ભીડ સ્વરુપે જાેવા મળી હતી. આ ઉપરાંત આ સમયગાળો લગ્ન સિઝન હોય લોકો મેળાવડામાં ભેગા થાય છે જ્યાં માસ્ક અથવા સામાજિક અંતર જેવી કોરોના ગાઇડલાઇન્સને તાક પર મૂકી દેવામાં આવે છે.
શહેર સ્થિત ક્રિટિકલ કેર નિષ્ણાત અને રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. મહર્ષિ દેસાઈએ જણાવ્યું હતું કે, અનેક પરિબળોને કારણે દેશના અનેક વિસ્તારો અને વિશ્વનાં કેટલાક પ્રદેશોમાં પણ આ વધારો નોંધાયો છે. પરંતુ જાે આપણે કેસોમાં છેલ્લા બે ઉછાળાની તુલના વર્તમાન સાથે કરીએ તો રોગ અને મૃત્યુદરની તીવ્રતા ઘણી ઓછી છે. તેમણે કહ્યું કે, આપણે હજી પણ આ કેસમાં કોરોનાના નવા પ્રકાર અંગેની અસરનું નિરીક્ષણ કરવાનું છે.