અમદાવાદની હોસ્પિટલોમાં ૯૦૦૦ કરતા વધુ દર્દીઓ ઓક્સીજન-વેન્ટીલેટર પર

પ્રતિકાત્મક
એક સપ્તાહમાં ૧૩૦૦ ગંભીર દર્દી વધ્યા ઃ ઓક્સિજનના ઉપલબ્ધ બેડ ૯૭ ટકા ફુલ
(દેવેન્દ્ર શાહ દ્વારા પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં દૈનિક ૫૫૦૦ જેટલા કેસ કન્ફર્મ થતા હતા જેની સામે મે મહીનામાં દૈનિક સરેરાશ કેસ ૪૮૦૦ આસપાસ થઈ ગયા છે. શહેરમાં કોરોનાના કેસ ઘટવા પાછળ ટેસ્ટીંગની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.
જે અલગ વિષય છે. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે કોરોનાના કેસ ઘટ્યા હોવા છતાં ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મ્યુનિ., સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ગંભીર દર્દીઓ માટે ઉપલબ્ધ ઓક્સીજન અને આઈ.સી.યુ. બેડની સંખ્યામાં સતત વધારો થયો છે. ૨૬ એપ્રિલે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓની સંખ્યા આઠ હજાર હતી.
જ્યારે બીજી મેના સત્તાવાર રીપોર્ટ મુજબ આવા દર્દીઓની સંખ્યા નવ હજાર કરતા વધારે છે. નોંધનીય બાબત એ છે કે મ્યુનિ.હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓ માટે ઉપલબ્ધ બેડની સંખ્યા નહીવત કે શૂન્ય બરાબર રહે છે. અમદાવાદ શહેરમાં કોરોનાનાં એક્ટીવ દર્દીઓની સંખ્યા ૬૭ હજાર કરતાં વધુ છે.
જે પૈકી ગંભીર દર્દીઓની સંખ્યા લગભગ દસ હજાર કરતા વધુ હોવાનું અનુમાન છે. જેની સામે મ્યુનિસિપલ, સરકારી, અને ખાનગી હોસ્પીટલોમાં નવ હજાર કરતા વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ વહીવટીતંત્ર દ્વારા દૈનીક ધોરણે ઓક્સીજન અને આઈસીયુના ઉપલબ્ધ બેડની સંખ્યા જાહેર કરવામાં આવી રહ્યા છે.
૨૬ એપ્રિલે મનપા સંચાલીત ૦૪, ૧૬૭ ખાનગી, સીવીલ કેમ્પસની ૦૬ તેમજ ૧૬૭ નર્સીગ હોમ મળી કુલ ૮૨૧૧ ઓક્સીજન-આઈસીયુ બેડ હતા જેની સામે ૮૦૧૮ બેડ ભરાઈ ગયા હતા તેમજ માત્ર ૧૯૭ બેડ ખાલી હતા. ૨૬ એપ્રિલે હોસ્પિટલોમાં બેડની સંખ્યા સામે સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓની ટકાવારી ૯૬ ટકા રહી હતી.
૨૭ એપ્રિલે ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો તેમજ ઉપલબ્ધ ખાલી બેડની સંખ્યા ઘટીને માત્ર ૧૫૨ થઈ હતી. મ્યુનિ.કોર્પોરેશને ખાનગી હોસ્પિટલોમાં ક્વોટા વધારવા જાહેરાત કરી હતી. પરંતુ ખાનગી હોસ્પિટલો દ્વારા વધુ બેડ આપવામાં આવ્યા નથી કે પછી તંત્ર દ્વારા સંપાદન કરવામાં આવ્યા નથી.
જેના કારણે ગંભીર દર્દીઓને સમયસર સારવાર મળી રહી નથી. તંત્રની જાહેરાત બાદ પણ ૨૯ એપ્રિલે ઓક્સીજન- આઈસીયુ બેડની સંખ્યા વધીને ૯૩૮૮ થી હતી. ચિંતાજનક બાબત એ છે કે બેડની સંખ્યા વધવાની સાથે-સાથે ગંભીર દર્દીઓની સંખ્યા પણ વધી હતી. તેમજ ૨૯ એપ્રિલે ૯૩૮૮ બેડ પૈકી ૯૦૦૬ બેડ ભરાઈ ગયા હતા.
૨૬ એપ્રિલે ગંભીર દર્દીઓની સંખ્યા ૮૦૧૬ હતી. આમ, ત્રણ દિવસમાં જ એક હજાર દર્દી વધ્યા હતા. ૩૦ એપ્રિલે ૯૩૭૯ બેડની સામે ૯૧૨૫ બેડ પર ઓક્સીજન-વેન્ટીલેટરની જરૂરીયાતવાળા દર્દી હતા. તથા ખાલી બેડની સંખ્યા માત્ર ૨૫૪ હતી. ભરેલા બંડની ટકાવારી ૯૭ ટકા હતી.
૩૦ એપ્રિલે મ્યુનિ.કોર્પોરેશનની ચાર હોસ્પિટલોમાં ઓક્સીજન- આઈસીયુના ઉપલબ્ધ બેડની સંખ્યા ચાર હતી. જે ગુજરાત સ્થાપના દિવસે ઘટીને માત્ર એક થઈ હતી. પહેલી મે એ પણ દર્દીઓની સંખ્યામાં અને ઉપલબ્ધ બેડની સંખ્યામાં કોઈ વધઘટ થઈ ન હતી. જ્યારે બીજી મે એ ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો.
તેમજ એક જ દિવસમાં વેન્ટીલેટર-ઓક્સિજનની જરૂરીયાતવાળા દર્દીઓની સંખ્યા ૯૩૩૭ થઈ હતી. તથા ખાલી બેડની સંખ્યા ઘટીને માત્ર ૧૯૧ થઈ હતી. નોંધનીય છે કે બીજી મે એ મ્યુનિ. હોસ્પિટલોમાં ઓક્સીજન-વેન્ટીલેટરના તમામ બેડ ફુલ હતા. ૨૬ એપ્રિલ થી બીજી મે સુધી ગંભીર દર્દીની સારવાર માટે લગભગ ૧૩૦૦ નવા બેડ સંપાદન કરવામાં આવ્યા હતા.
પરંતુ તેની સામે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો હતો. તેમજ ૨૬ એપ્રિલની સરખામણીએ બીજી મે એ ઉપલબ્ધ બેડની સંખ્યામાં કોઈ જ વધઘટ થઈ ન હતી. ત્રીજી મે એ તંત્ર દ્વારા ૧૦૯ બેડનો વધારો કરવામાં આવ્યો હતો. તેની સામે દર્દીઓની સંખ્યા પણ વધીને ૯૨૯૨ થઈ હતી.
જ્યારે ખાલી બેડની સંખ્યા ૨૪૫ હતી. ૨૬ એપ્રિલ થી ત્રીજી મે સુધી વેન્ટીલેટર-ઓક્સીજન બેડની કુલ સંખ્યામાં જે પણ વધઘટ થઈ હોય પરંતુ ગંભીર દર્દીઓની ટકાવારી ૯૭ ટકાથી ઓછી થઈ નથી ! તે બાબત પણ ચિંતાનો વિષય બની છે.