અમદાવાદની ૪ થી સ્માર્ટ શાળા કાર્યરત થઇ “ભાર વિનાના ભણતર”ની પરિકલ્પના સાકાર કરે છે
શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ભાર વિનાના ભણતરની પરિકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સ્માર્ટ શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે. નવીનતમ પદ્ધતિઓથી અપાતું શિક્ષણ હવે છેવાડાના ગામડાઓ સુધી સ્માર્ટ શાળા થકી પહોંચશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સી.ટી.એમ. ખાતે અમદાવાદની ચોથી સ્માર્ટ શાળાના લોકાર્પણ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે, તાજેતરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેના થકી રાજ્યના છેવાડાના ગામડાઓ સુધી સ્માર્ટ શિક્ષણ પહોંચી રહ્યુ છે.
૨૦૧૫ થી ૨૦૨૦ સુધીમાં રાજ્યભરમાં ૩.૫૦ લાખથી વધુ વિધાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી રાજ્યસરકાર દ્વારા કાર્યરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળાઓમાં સ્થાળાંતર કર્યુ છે. રાજ્યના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં સરકારી શાળા પ્રત્યેનો વિશ્વાસ ઉત્તરોતર વધ્યો છે તેમ શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ફક્ત ગુણવત્તાયુક્ત શિક્ષણ જ નહીં પરંતુ આધુનિક તકનીકની મદદથી શ્રેષ્ઠ શિક્ષણ આપવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. વૈશ્વિક વૈજ્ઞાનિક રેન્કિંગમાં ગુજરાતના ૧૨ વિધાર્થીઓએ સ્થાન મેળવ્યુ છે જે સુચવે છે કે વિધાર્થીઓમાં ગુણવત્તાસભર શિક્ષણ સાથે ઇનોવેશનનું પણ પ્રમાણ વધ્યુ છે.
શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે, આજનો દિવસ અમદાવાદ જિલ્લાના શિક્ષણ ઇતિહાસમાં યાદગાર બનવા જઇ રહ્યો છે. હવે બાળકો સ્માર્ટ શિક્ષણ થકી વધુ પરીપક્વ બનશે જેથી તેમની કારકિર્દી નવા આયામો થકી આગળ વધશે. શિક્ષણ મંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીને યાદ કરતા કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ રાજ્યમાં ઘણી આફતને અવસરમાં પરીણમી હતી. હાલ કોરોના મહામારી પણ દેશ અને રાજ્ય પર આવી પડેલી અણધારી આફત છે જેને ધ્યાનમાં લઇને અમે ૧૫ માર્ચથી શિક્ષણકાર્ય મોકૂફ રાખ્યુ હતું. આ આફતને અવસરમાં પરીણમવા અને રાજ્યના બાળકો માટે શિક્ષણનો પ્રવાહ અવિરત વહેતો રાખવા વંદે ગુજરાત, બાયસેગ અને ડી.ડી. ગીરનારના માધ્યમથી શિક્ષણ વર્ગ ચલાવવામાં આવ્યા હતા.
શ્રી ભુપેન્દ્રસિંહે સ્ટેન્ડ અપ ઇન્ડિયા સંદર્ભે કહ્યુ કે, આ મંત્રને મૂલમંત્ર બનાવીને રાજ્યની વિવિધ યુનિવર્સિટીના સંકલનથી ૪૬ ટકા ઇનવેસ્ટમેન્ટ સાથે ગુજરાત રાજ્ય દેશમાં મોખરે બન્યુ છે. તેમજ આધુનિક તકનીકનો શિક્ષણમાં ઉપયોગ કરીને શિક્ષણ ક્ષેત્રે બહુઆયામી વિકાસ કર્યેો છે.
શિક્ષણમંત્રીશ્રીએ કહ્યુ કે, અત્યાર સુધી કોરોના મહામારી અને લોકડાઉનની પરિસ્થિતીઓ તમામ પ્રવૃતિઓ વર્ચ્યુઅલ ચાલતી હતી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા મોટાભાગની પ્રવૃતિઓ માટે અનલોક ની જાહેરત કરવામાં આવી છે ત્યારે તેના સંદર્ભે તાજેતરમાં જ મંત્રીમંડળની ઉચ્ચસ્તરીય બેઠક કરીને એક સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ સીસ્ટમ (S.O.P.) સાથે તમામ પ્રવૃતિઓને ટૂંક સમયમાં જ ફીઝીકલ કરવામાં આવનાર છે.
લોકસભા સાંસદ અને પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલે આ પ્રસંગે કહ્યુ કે, નગર પ્રાથમિક શિક્ષણ સમીતીઓ દ્વારા સ્માર્ટ સ્કુલની શરૂઆતએ રાજ્ય શિક્ષણ ક્ષેત્રે નવા અધ્યાયની શરૂઆત છે. સરકારી શાળાઓએ દેશને શ્રેષ્ઠ તબીબો, એન્જીનીયર અને શિક્ષકો આપ્યા છે . સ્માર્ટ શાળા થકી મળનાર સ્માર્ટ શિક્ષણ આ પરંપરાને જાળવી રાખવામાં મદદરૂપ બનશે.
છેલ્લા ઘણા વર્ષોથી રાજ્ય સરકારની શાળાઓના રંગ, રૂપ, માળખાગત સુવિધાઓ અને ગુણવત્તાઓ બદલાઇ છે. જેમાં સ્માર્ટ શાળાએ વધુ એક છોગુ ઉમેર્યુ છે, તેમ શ્રી સી.આર. પાટીલે ઉમેર્યુ હતુ.
અમદાવાદ પશ્ચિમના સાસંદ શ્રી કિરિટભાઇ સોલંકીએ કહ્યુ કે, મારી આ ટર્મની સાસંદનિધીનો મોટાભાગનો ખર્ચ શિક્ષણ માટે થઇ રહ્યો છે તેનો મને આનંદ છે . અમદાવાદમાં અમરાઇવાડી, કાંકરીયા, અસારવા અને એલીસબ્રીજજ-વાસણા વોર્ડમાં ૨ કરોડ ૨૯ લાખના ખર્ચે સ્માર્ટ શાળાઓ કાર્યરત થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ અમદાવાદમાં નિર્માણાધીન ૧૧ સ્માર્ટ શાળાઓ પૈકી અમદાવાદના અમરાઇવાડી વોર્ડમાં કાર્યરત થયેલ ઇન્દ્રપુરી સ્માર્ટશાળા એ ૪ થી સ્માર્ટશાળા બની છે.
ઇન્દ્રપુરી સ્માર્ટ શાળામાં પ્રિ-એજ્યુકેશનલ કીટ, 3d એજ્યુકેશન ચાર્ટ, સાયન્સ અને મેથ્સ લેબ વર્કિંગ મોડેલ અને ટીચર ટ્રેનીંગ એલ.ઇ.ડી. ટીવી સાથે, સ્માર્ટ ક્લાસ રૂમ, ડિજિટલ પ્લેનેટોરિયમ, ટેલિસ્કોપ ,ગુગલ ક્લાસરૂમ, ફેન્સી બેન્ચીસ, ફ્યુચર ક્લાસ ફોલ્સ સીલીંગ, મલ્ટી પ્લેય સ્ટેશન અને આઉટડોર ગવર્મેન્ટ ફેન્સી બેન્ચીસ અને રબર મેટ, 3d પેઈન્ટ, સીસીટીવી કેમેરા, એલઈડી ટીવી, વ્હાઇટ બોર્ડ ,શુ-રેક અને લોકર્સ, જેવી અદ્યતન સ્માર્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વિવિધ સ્માર્ટ ફીચરથી સજ્જ આ શાળા ગુગલ કલાસરૂમ અને સ્માર્ટ ક્લાસના માધ્યમથી ટચિંગ લર્નિંગ અને મૂલ્યાંકનની પ્રક્રિયા સરળ અને મજબૂત બનશે. સ્માર્ટશાળાના ઉદધાટન પ્રસંગે અમદાવાદ પૂર્વના સાસંદ શ્રી હસમુખભાઇ પટેલ,મેયર શ્રીમતી બીજલબેન પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી, પૂર્વ સાસંદ સભ્ય અને અમ.મ્યુ.કોર્પોરેશનના અધિકારીઓ, સર્વે શિક્ષકશ્રીઓ સહિત જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.