અમદાવાદનું જીવન ધોરણ અન્ય શહેર કરતા ખરાબ છે
અમદાવાદ: ખુદ ભારત સરકારના જ એક મહત્વના સર્વેમાં ચોંકાવનારી અને આઘાતજનક હકીકત સામે આવી છે કે, દેશના અન્ય શહેરોની સરખામણીએ અમદાવાદનું જીવન ધોરણ ઘણુ ખરાબ હોવાનું બહાર આવ્યું છે.
સ્માર્ટ સીટીના મસમોટા દાવાઓ કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખુદ ગુજરાત સરકાર માટે આ બહુ શરમજનક વાત કહી શકાય. કારણ કે, આ સર્વેમાં જીવન ધોરણે અને પાયાની સુવિધાઓના મૂલ્યાંક સહિતના મુદ્દાઓને લઇ રહેવા માટે અમદાવાદ છેક સમગ્ર દેશના શહેરોમાં છેક ૨૩મા નંબર પર આવ્યું હતું, જે ખરેખર અમ્યુકો અને ગુજરાત સરકાર માટે બહુ ખરાબ બાબત કહી શકાય.
ભારતના ૧૧૪ સ્માર્ટ સીટીમાં રહેતા નાગરિકોના જીવનધોરણ અને તેમની પાયાની સુવિધાઓનું મૂલ્યાંકન ઇઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮માં ઈઝ ઓફ લીવીંગમાં ગુજરાતના ૬ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમા સૌથી શ્રેષ્ઠ શહેર તરીકે સુરત ૧૯માં નંબરે આવ્યું હતું.
જ્યારે સ્માર્ટ સીટી અમદાવાદ ૨૩માં નંબર આવ્યું હતું. જેમાં આરોગ્ય અને રોજગાર સહિતની પ્રાથમિક સુવિધાઓ અમદાવાદ અને રાજકોટ કરતા સુરતમાં સૌથી સારી હતી. ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ ૨૦૧૮માં ગુજરાતના અન્ય શહેરોની તુલનામાં અમદાવાદ ઘણું પાછળ રહ્યું છે.
અમદાવાદ શહેરમાં આરોગ્ય, સુરક્ષા અને સલામતી રોજગાર વગેરેની તકો ખુબ જ ઓછી જણાઈ હતી. જ્યારે સ્થિર અર્થવ્યવસ્થા, રોજગાર અને પાણી પુરવઠો પૂરો પાડવામાં રાજકોટ સુધી આગળ રહ્યું હતું. જ્યારે સુરક્ષા અને સલામતી અને આરોગ્યમાં પણ અમદાવાદ કરતા ગાંધીનગર અને દાહોદ સૌથી સુરક્ષિત હતું. તેમજ વધુ સારી આરોગ્ય લક્ષી સુવિધાઓમાં ગાંધીનગર અને દાહોદ શ્રેષ્ઠ સાબિત થયા હતા, જ્યારે અમદાવાદમાં આરોગ્યની તકો ઓછી હતી.
આમ, અમદાવાદ લગભગ તમામ બાબતોમાં અન્ય શહેરોની સરખામણીએ ખાસ કરીને દાહોદ જેવા પંથકથી પણ પાછળ પડેલુ હોવાનું સામે આવ્યું હતું. ઇઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષના સર્વેની હકીકતો ચોંકાવનારી અને આઘાતજનક જ નહી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર માટે બહુ ગંભીર અને શરમજનક કહી શકાય. કારણ કે, સર્વેના આંકડા અને વિગતો પરથી સ્માર્ટ સીટીના મસમોટા અને ભ્રામક દાવાઓ કરતાં અમ્યુકો અને સરકારની વાતો ખુલ્લી પડી ગઇ છે. સર્વે બાદ વિપક્ષ કોંગ્રેસને પણ ફરી એકવાર ભાજપ અને ગુજરાત સરકાર પર પ્રહાર કરવાની તક મળી ગઇ હતી.