Western Times News

Gujarati News

અમદાવાદને 2030 સુધી કુતરાના ત્રાસથી મુક્ત કરવા AMCનો એકશન પ્લાન

સુપ્રીમ કોર્ટના નિર્દેશનો અમલ કરવા માટે એ,બી,સી ડોગ રૂલ ર૦ર૩ મુજબ રખડતા કુતરાના ત્રાસ અટકાવવા માટે કુતરા ખસીકરણ અને રસીકરણ કરવામાં આવે છે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના નિર્દેશનો અમલ કરવા માટે એ,બી,સી ડોગ રૂલ ર૦ર૩ મુજબ રખડતા કુતરાના ત્રાસ અટકાવવા માટે કુતરા ખસીકરણ અને રસીકરણ કરવામાં આવે છે ત્યારબાદ કુતરાઓને તેમના નિયત સ્થળે છોડવામાં આવે છે.

સદર રૂલ્સનો યોગ્ય અમલ થાય તે માટે મ્યુનિ. કોર્પો. દ્વારા ખાસ કમિટીનું આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે ર૦૩૦ સુધીમાં અમદાવાદને કુતરા મુક્ત કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા એનીમલ બર્થ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત ૪ સંસ્થાઓને કુતરા રસીકરણની કામગીરી સોંપવામાં આવી છે જેમાં દૈનિક ધોરણે ૧૩૦ જેટલા રખડતા કુતરાના રસીકરણ થાય છે. મ્યુનિ. કોર્પો.એ ર૦ર૩ના વર્ષ દરમિયાન ૩૯૮૮ર કુતરાઓના ખસીકરણ કરવામાં આવ્યા છે જયારે ચાલુ મહિનામાં ૧૩પ૯ કુતરાના ખસીકરણ કરવામાં આવ્યા છે જેના કારણે કુતરાઓનો બર્થ કંટ્રોલમાં આવી ગયો છે.

આ ઉપરાંત ઋતુચક્ર બદલાવવાના કારણે કુતરાઓના હોર્મોન્સમાં બદલાવ અંગે તથા ડોગ બાઈટ અંગે પણ અવારનવાર વેટરનરી ડોકટરોના મંતવ્ય લેવામાં આવે છે. સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એ,બી,સી રૂલ્સ ર૦ર૩નો યોગ્ય અમલ કરવા માટે ખાસ કમિટી બનાવવામાં આવશે તેમજ ટુંકાગાળાનો માસ્ટર પ્લાન નિષ્ણાતો મારફતે તૈયાર કરવામાં આવશે જેના માટે જરૂરી ગ્રાંટ ફાળવવા રાજય સરકારમાં દરખાસ્ત મોકલવાની રહેશે.

સદર નિયમ અંતર્ગત જે મોનીટરીંગ કમિટી બનાવવામાં આવશે તેમાં મ્યુનિ. કમિશ્નર ચેરમેન રહેશે આ ઉપરાંત બે ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ, આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશ્નર, સીએનસીડી વિભાગના એચઓડી અને સુપ્રિટેન્ડન્ટ, પ્રાણી સંગ્રહાલયના સુપ્રિટેન્ડન્ટ સહિત ૧૪ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત રાજય સરકાર તથા મ્યુનિ. કોર્પો.ના આરોગ્ય વિભાગ, સીએનસીડી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા પબ્લીસીટી હોસ્પિટલ વિવિધ એનજીઓ વિગેરેની મદદપણ લેવામાં આવશે.

અમદાવાદ શહેરને ર૦૩૦ સુધી રેબીસ ફ્રી બનાવવા માટે કુતરાના ખસીકરણ, ડોગ બાઈટ એનાલીસીસ, કરડતા કુતરાઓના વળતર અંગેનું સંશોધન, રેબીન વેકસિન સ્ટોકની ઉપલબ્ધિ, નાગરિકોનો સહકાર વગેરે ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરવાની થશે. આ ઉપરાંત દર મહિને ઉચ્ચ અધિકારીઓની મીટીંગ બોલાવી તેની સમીક્ષા પણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.