અમદાવાદનો સૌથી લાંબો ફલાયઓવર નરોડા પાટીયા પાસે બનશે
ર.પ કિ.મી.ના બ્રીજમાં ત્રણ જંકશનોને આવરી લેવામાં આવશે
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગંભીર બનતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફલાયઓવર, રીવર અને રેલ્વેબ્રીજ બનાવવામાં આવી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશને ર૦૧૯-ર૦ના બજેટમાં નવા ર૦ બ્રીજ બનાવવા જાહેરાત કરી હતી જેની સામે રાજય સરકારે ૦૭ બ્રીજ માટે સૈધ્ધાંતિક મંજુરી આપી હતી જેમાં નરોડા પાટીયા ફલાયઓવરનો પણ સમાવેશ થાય છે. પરંતુ નરોડા પાટીયાથી નાના ચિલોડા તરફના જંકશનો પર ટ્રાફિક ભારણ વધારે હોવાથી સદ્ર રોડ પર અમદાવાદનો સૌથી લાંબો બ્રીજ બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦ર૦ની સાલમાં શહેરના નાના-મોટા જંકશનો પરના ટ્રાફિક ભારણનો સરવે કરવામાં આવ્યો હતો. સદ્ર સરવેના આધારે ફલાયઓવર બનાવવાના કામને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા જે ૦૭ બ્રીજ બનાવવા માટે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી તેમાં પણ ટ્રાફિક સરવેના આધારે ફેરફાર કરવામાં આવ્યા છે. મ્યુનિ. રોડ એન્ડ બીલ્ડીંગ કમીટીના ચેરમેન મહાદેવભાઈ દેસાઈ અને ડેપ્યુટી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે નરોડા પાટીયા પાસે અંદાજે ૮૦૦ મીટર લંબાઈનો બ્રીજ બનાવવા માટે મંજુરી મળી હતી જેનો ખર્ચ રૂા.પપ કરોડ થવાનો અંદાજ હતો. પરંતુ ટ્રાફિક સરવે થયા બાદ બ્રીજમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નરોડા પાટીયાએ જંકશનનો ટ્રાફિક ૧૧૮૪૭ પી.સી.યુ છે જયારે ગેલક્ષી જંકશનનો ટ્રાફિક પી.સી.યુ ૧૦૯૯૦ છે નરોડા પાટીયા જંકશનથી નાના ચિલોડા તરફ જતા દેવી સિનેમા અને ગેલેક્ષી જંકશનનો ટ્રાફિક પી.સી.યુ ૧૦ હજાર કરતા વધારે હોવાથી નરોડા પાટીયા બ્રીજમાં આ બંને જંકશનોને આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવા આયોજન મુજબ ત્રણ જંકશનોને આવરી લઈ અંદાજે અઢી કીલોમીટર લંબાઈનો નવો ફલાય ઓવર બનાવવામાં આવશે જેના માટે રૂા.૧૬પ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નરોડા પાટીયાથી ગેલેક્ષી સિનેમા સુધીનો સળંગ ફલાયઓવર બનાવવામાં આવ્યા બાદ આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હળવી બનશે તેમજ ઉત્તર ગુજરાત તરફથી આવતા જતા વાહનો સીધા એસ.પી. રીંગ રોડની બહાર નીકળી શકે તેમ છે. નવા બ્રીજની ડીઝાઈનમાં દેવી સિનેમા સર્કલ પાસે વાહનો માટે બંને તરફ ચડ ઉતર માટે અલગ સુવિધા પણ ઉપલબ્ધ થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.