અમદાવાદમાં આરટીઓની સઘન ઝુંબેશ
ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ બેસાડનાર સ્કુલ વાનના ચાલકો સામે કાર્યવાહી |
(પ્રતિનિધિ) અમદાવાદ:શહેરના નિકોલ વિસ્તારમાં આરટીઓ દ્વારા છેલ્લા બે દિવસથી સ્કુલ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહયું હતું પરંતુ ગઈકાલે પંચામૃત સ્કુલની વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પટકાવાની ઘટનાને ધ્યાનમાં રાખી આરટીઓ અધિકારીઓએ આજે સવારથી જ શહેરભરમાં વ્યાપક પ્રમાણમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરી દીધી છે અને અનેક વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે સ્કુલવાનમાંથી વિદ્યાર્થીઓ પટકાવાની ઘટના બાદ આરટીઓની કામગીરી સામે સવાલો ઉઠવા લાગતા આરટીઓ અધિકારીઓની ગઈકાલે મોડી સાંજે તબક્કાવાર બેઠકો યોજાઈ હતી જેમાં આરટીઓના તમામ અધિકારીઓ હાજર રહયા હતા.
આ બેઠકમાં હવે શહેરભરમાં વ્યાપક પ્રમાણમાં ચેકિંગ ઝુંબેશ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ માટે ૧૩થી વધુ ટીમો બનાવી તેઓને જુદા જુદા વિસ્તારો સોંપી દેવામાં આવ્યા હતાં ગઈકાલે મોડી સાંજ સુધી ચાલેલી બેઠકોમાં લેવાયેલા નિર્ણય મુજબ આજે સવારથી આરટીઓ વિભાગના અધિકારીઓની આગેવાનીમાં બનાવવામાં આવેલી ટીમોએ ચાંદખેડા ભુયંગદેવ, સુભાષબ્રીજ, સાબરમતી સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં સ્કુલ વાહનોનું ચેકિંગ શરૂ કરી દીધું હતું.
વહેલી સવારથી જ આરટીઓના અધિકારીઓએ શરૂ કરેલા ચેકિંગ ઝુંબેશના પગલે વાહન ચાલકોમાં ફફડાટ જાવા મળતો હતો આરટીઓના અધિકારીઓ દ્વારા સ્કુલ વાહનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઉપરાંત ફિટનેશ સર્ટિફિકેટની પણ ચકાસણી શરૂ કરાઈ હતી પ્રાથમિક તપાસમાં જ સંખ્યાબંધ સ્કુલ વાહનોમાં નિયમોનો ભંગ થતો હોવાનું જાવા મળ્યું હતું.
જયારે ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડનાર ૭ સ્કુલ વાનના ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ લખાય છે ત્યારે પણ ચેકિંગ ઝુંબેશ ચાલુ જ છે. આરટીઓના અધિકારીઓની મીટીંગમાં લેવાયેલા નિર્ણય મુજબ આ ચેકિંગ ઝુંબેશ શહેરના તમામ વિસ્તારોમાં કરવામાં આવનાર છે એટલું જ નહી.
પરંતુ તમામ શાળાઓના વાહનોની ચકાસણી કરવામાં આવનાર છે આ કાર્યવાહીમાં જરૂર પડે પોલીસતંત્રની પણ મદદ લેવામાં આવશે બીજીબાજુ રાજયના સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર કાર્યવાહીનું મોનીટરીંગ કરવામાં આવી રહયું છે.