Western Times News

Gujarati News

અમદાવાદમાં ‘ઇન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ની ઉજવણી થઇ

૩,૦૦૦ બાળકોને ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અને ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન વિશે માહિતગાર કરાયા

‘બેટી બચાવો-બેટી પઢાવો’ અને ફિટ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી 3,000 જેટલા બાળકો સાથે ‘ઇન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. સરખેજ કેળવણી મંડળ અને વજ્ર ઓ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશનના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સનશ્રી શ્રીમતી જાગૃતિબેન પંડ્યા મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રીમતી જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું કે,  સરકાર ઘણી યોજનાઓ સાથે ‘બેટી બચાવો-બેટી પઢાવો’, મહિલા સશક્તિકરણને લઇને મોટા પાયે પ્રયત્નો કરી રહી છે. આ સાથે સ્ત્રી ભ્રૂણ હત્યાને રોકવા નાગરિકોએ પણ જાગૃત થવાની જરૂર છે.

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેનશ્રી ધીરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે, આજના સમયમાં છોકરીઓ અભ્યાસમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે.

છોકરીઓ ખાસ કરીને અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે માતા-પિતાએ તેમનો વિચાર બદલવો જોઈએ અને છોકરીઓ અને છોકરાઓને સમાન ગણવા જોઈએ. આ સાથે છોકરીઓને શિક્ષિત કરવા વિશેષ કાળજી લેવી જોઈએ.

જ્યારે વજ્ર  ઓ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશનના ડિરેક્ટર રૂઝાનબેન ખંભાતાએ જણાવ્યું કે, જીવન પડકારોથી ભરેલું છે. આ પડકારોને પહોંચી વળવા એ મહત્વનું છે કે આપણું મન અને શરીર બંને યોગ્ય હોય. વૈજ્ઞાનિક  રૂપે સાબિત થયું છે કે ફિટ બોડી જ ફિટ મન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.  ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અને ફિટ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા અને ‘ઇન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ પર અમારા પ્રયત્નો વિશે વિશ્વને બતાવવા માટે એક રેકોર્ડનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સરખેજ કેળવણી મંડળના પ્રેસિડન્ટ મુકેશભાઇ પટેલે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં ૩૦૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ થકી અમે યુવાનો, શાળા-કોલેજને  વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ અને રમતગમતની પ્રવૃત્તિ સાથે-સાથે ‘બેટી બચાવો- બેટી પઢાઓ’ અને ફિટ ઇન્ડિયા’ અભિયાનને લઇને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.