અમદાવાદમાં એક કરોડ લોકો મારૂ સ્વાગત કરશે: ટ્રમ્પ
વોશિંગ્ટન, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત આવતા પહેલા ફરી એક વખત દાવો કર્યો છે કે, અમદાવાદમાં મારૂ એક કરોડ લોકો સ્વાગત કરવાના છે. આ પહેલા ટ્રમ્પે કહ્યુ હતુ કે, એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના રોડ શોમાં 70 લાખ લોકો સ્વાગત માટે રૂટ પર ઉભા રહેવાના છે. ટ્રમ્પે આ દાવો જોકે પીએમ મોદીના હવાલાથી કર્યો હતો. જોકે ટ્રમ્પના દાવા અને વાસ્તવિકતા વચ્ચે ઘણુ અંતર છે. કારણકે અમદાવાદની કુલ વસતી જ 70 થી 80 લાખની વચ્ચે છે.
દરમિયાન ટ્રમ્પે અમેરિકામાં કોલોરાડોમાં યોજાયેલી રેલીમાં કહ્યુ હતુ કે, હું આગામી સપ્તાહમાં ભારત જઈ રહ્યો છું, પીએમ મોદી મને બહુ પસંદ છે. હું તેમની સાથે ટ્રેડ ડીલ અંગે વાત કરવાનો છું. સ્ટેડિયમ જતી વખતે એક કરોડ લોકો અમારૂ સ્વાગત કરવાના છે. હું વેપાર અંગે પીએમ મોદી સાથે વાત કરવાનો છું. ભારત લાંબા સમયથી અમેરિકન પ્રોડક્ટસ પર વધારે ટેક્સ લગાવીને અમેરિકા સાથે આકરૂ વલણ અપનાવી રહ્યુ છે. જોકે લોકોની સંખ્યાને લાગે વળગે છે ત્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા ગઈકાલે જ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે, આ રોડ શોમાં લાખ થી સવા લાખ લોકો હાજર રહેશે.