અમદાવાદમાં કર્ફ્યુ કાળમાં ૭૦ જેટલા લગ્ન સંપન્ન થયા
અમદાવાદ: રવિવારે સાંજે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પ્રેસ કોન્ફરન્સમાં કર્ફ્યૂના જાહેરનામાના અમલ શહેરીજનોએ આપેલી સહકારની સરાહના કરી હતી. કોરોના સામેની લડાઈ પૂર્ણ થઈ ન હોવાનું જણાવીને ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા જાહેર કરાનાર નિયમોના પાલનમાં પ્રજાનો સાથ મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેઓએ કર્ફ્યૂ દરમિયાન શહેરમાં ૭૦ જેટલા લગ્ન થયા હોવાનું ઉમેર્યું હતું.
પોલીસ કમિશનરે કહ્યું કે, અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂને લઈને નવું જાહેરનામું બહાર પાડવામાં આવશે. જેમાં રાત્રે લગ્નની મંજૂરી નહીં મળે. ૯ વાગ્યા સુધીમાં તમામ કાર્યક્રમો પૂર્ણ કરવાના રહેશે.
તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં ૨ દિવસમાં ૭૦થી વધુ લગ્ન માટે અરજી આવી છે. જેમાં ૬ હજાર લોકો ભાગ લેવા માટે પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
અમદાવાદમાં જ્યાં સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે
ત્યાં સુધી રાત્રે ૯ વાગ્યા પછી કોઈ પણ નાગરિકને લગ્ન સહિતના કોઈપણ પ્રસંગ કરવા પરવાનગી આપવામાં આવશે નહીં. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે નાગરિકને પ્રસંગ કરવો હોય તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પરવાનગી મેળવીને રાત્રે ૯ વાગ્યા સુધીમાં પ્રસંગની પૂર્ણાહુતિ કરી દેવાની રહેશે.
આજે આ અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે. અમદાવાદમાં શુક્રવારે રાત્રે ૯ વાગ્યેથી સોમવારે ૬ વાગ્યા સુધી લાદવામાં આવેલું કમ્પલિટ કર્ફ્યૂ પૂર્ણ થતાં જીનજીવન પુનઃ ધબકતું થયું છે.
જો કે, રાજ્ય સરકારની જાહેરાત મુજબ અમદાવાદમાં આજથી દિવસનો કર્ફ્યૂ હટાડવામાં આવ્યો છે, અને કોરોનાના સંક્રમણને જોતા રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલની જાહેરાત મુજબ અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યૂ નવી સૂચના ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે.