અમદાવાદમાં કુલ ૫૧ ટેસ્ટિંગ ડોમ ઊભા કરાયા
અમદાવાદ, કોરોના સામે લડત આપવા માટે મ્યુનિ. તંત્ર પણ હરકતમાં આવ્યું છે. કોરોના અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને ઝડપથી ઓળખી લેવા માટે તંત્ર શહેરમાં વધુ ને વધુ ટેસ્ટિંગ ડોમ ઊભા કરી રહ્યું છે. તંત્રની આ નવી રણનીતિ મુજબ શહેરીજનો માટે હવે અમદાવાદમાં કુલ ૫૧ ટેસ્ટિંગ ડોમ ઊભા કરાયા છે. આ ટેસ્ટિંગ ડોમનો મહત્તમ લોકો લાભ લે તે પણ હાલના કોરોનાના મહાવિસ્ફોટકને જાેતા જરૂરી બન્યું છે.
અમદાવાદના સેટેલાઇટ, મકરબા, જાેધપુર અને જાેધપુર ગામ સાયન્સ સિટી નારણપુરા, ચાંદખેડા, વિજય ચાર રસ્તા વગેરે પશ્ચિમ અમદાવાદના વિસ્તારો ગઇકાલે કોરોનાના હોટસ્પોટ બન્યા હતા. આમ પણ કોરોનાએ પશ્ચિમ અમદાવાદના બોડકદેવ, થલતેજ, નવરંગપુરા, આંબલી, ગોતા, ઓગણજ સહિતના વિસ્તારોમાં વધુ ને વધુ હાહાકાર મચાવવા લીધો છે.
અગાઉ કોરોનાની લહેર વખતે જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા વગેરે વિસ્તારો તેના એપી સેન્ટર બન્યા હતા, પરંતુ આ વખતે કોટ વિસ્તાર સહિત મધ્ય ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોનમાં કોરોના કે ઓમિક્રોનનો આતંક સદનસીબે ઓછો રહ્યો છે.
પશ્ચિમ અમદાવાદમાંથી અનેક લોકો દિવાળીના તહેવારોમાં બહારગામ ફરવા ગયા હોઇ તેમજ આ વિસ્તારમાં વેપારી-વાણિજ્યની પ્રવૃત્તિ વધુ હોઇ કોરોનાના અજગરી ભરડો ફેલાયો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે, જાેકે કોરોનાના સતત વધતા જતા કેસની વચ્ચે મ્યુનિ. તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.
તંત્ર દ્વારા પાંચ દિવસ પહેલાં પશ્ચિમ અમદાવાદમાં ફેલાયેલા કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખીને બોડકદેવ, આંબલી, ન્યૂ ગોતા, ઓગણજ અને ચાંદલોડિયામાં નવા ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા હતા. હવે વધુ નવ ટેસ્ટિંગ ડોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે, જેમાં પૂર્વ ઝોનના નવા પાંચ અને પશ્ચિમ ઝોનના નવા ચાર ડોમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના આદેશના પગલે વધુ ૩૦ ધન્વંતરિ રથ અમદાવાદમાં ફરતા કરાયા છે. કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે સ્લમ અને સ્લમ જેવા વિસ્તારમાં વસતા ગરીબોની આરોગ્ય સુખાકારી જાળવવાનું કામ ધન્વંતરિ રથ કરે તેવી સૂચના પણ મુખ્યપ્રથાન પટેલે મ્યુનિ.તંત્રનું આપી છે.