અમદાવાદમાં કોરોનાનાં ટેસ્ટિંગ માટે ડોમ બાંધવાની શરૂઆત
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરાશે
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનન માટે રવિવારે (૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૧)એ મતદાન સંપન્ન થયું. છ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં આ વખતે સૌથી ઓછું મતદાન પણ અમદાવાદ ખાતે નોંધાયું છે. બીજી તરફ મતદાન પૂર્ણ થયાના બીજા જ દિવસે શહેરમાં કોરોનાનાં ટેસ્ટ વધારવા માટે ચાર રસ્તાઓ પર ડોમ ઊભા કરવામાં આવી રહ્યા છે.
મતદાન પહેલા જ એવી આશંકા રજુ કરવામાં આવી હતી કે, લોકો જાે બેફામ રીતે વર્તન કરશે તો ચૂંટણી પછી શહેરમાં કોરોનાના કેસમાં વધારો થશે. હવે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને પરિણામ આવવાનું જ બાકી છે ત્યારે શહેરમાં ફરીથી કોરોના ટેસ્ટિંગ માટે ડોમ ઊભા કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન શહેરમાં ઠેર ઠેર ઊભા કરવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ માટેના ડોમ દૂર કરી દેવામાં આવ્યા હતા. હવે ફરીથી શહેરના વિવિધ વિસ્તારોમાં તંત્ર તરફથી ડોમ નાખવામાં આવી રહ્યા છે, અથવા તો બંધ કરી દેવામાં આવેલા ડોમ પર ટેસ્ટિંગની કામગીરીની તૈયારી કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન વિવિધ પક્ષના નેતાઓ અને કાર્યકરો બેફાન બનીને ફર્યા હતા. ક્યાંક કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થતું હોય તેવું જાેવા મળ્યું ન હતું.
લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમો ભૂલી ગયા હતા. ચૂંટણીને લઈને માસ્ક ન પહેરવા પર દંડ અને ઇ-મેમો બંધ થઈ જતાં લોકો પણ બેફામ બની ગયા હતા. આ દરમિયાન લગ્નની સિઝન પણ ચાલી રહી હોવાથી લોકો બેજવાબદાર બની ગયા હતા. લોકો એવી રીતે ફરી રહ્યા હતા કે જાણે કોરોના જતો રહ્યો હોય. આ જ કારણ છે કે તંત્રએ અગમચેતીના ભાગરૂપે ડોમ બાંધવાની શરૂઆત કરી છે. ચૂંટણી સંપન્ન થતા જ હવે કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવશે.