અમદાવાદમાં કોરોનાનાં નવા 10 કેસ : સપ્તાહમાં એક્ટિવ કેસની સંખ્યામાં ચાર ગણી થઈ
(પ્રતિનિધિ)અમદાવાદ,અમદાવાદમાં કોરોનાનો પંજો પ્રસરી રહ્યો છે. 26 ડિસેમ્બરે કોરોના 8 કેસ નોંધાયા બાદ 27 તારીખે નવા 10 કેસ કન્ફર્મ થતા તંત્ર દોડતું થઈ ગયું છે. બે દિવસ અગાઉ કોરોનાના કારણે 82 વર્ષના એક દર્દીનું કરુણ મૃત્યુ થયું છે. કોરોના વધી રહેલા કેસને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન એક્ટિવ કેસની સંખ્યા માં લગભગ ચાર ગણો વધારો થયો છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે. જેમાં પાંચ મહિલા અને પાંચ પુરુષ દર્દીનો સમાવેશ થાય છે. શહેરના નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ, થલતેજ, નિકોલ, મણીનગર, સાબરમતી અને ઇસનપુર વિસ્તારમાંથી કેસ સામે આવ્યા છે. 10માંથી ચાર દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે.
ગોવા, સિંગાપુર, રાજકોટ અને ઓસ્ટ્રેલિયાથી દર્દી અમદાવાદ પરત આવ્યા બાદ કોરોના પોઝિટિવ આવ્યા છે. વધુ 10 કેસોની સામે 6 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. કુલ 46 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 45 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. શહેરમાં 26 તારીખે 8 કેસ સામે આવ્યા હતા. જેમાં પાંચ પુરૂષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. નવરંગપુરા, નારણપુરા, જોધપુર, થલતેજ, ગોતા અને સરખેજ વિસ્તારમાંથી કેસ નોંધાયા હતા. ત્રણ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી હતી.
જેમાં અમેરિકા, દુબઈ અને મથુરાથી આવ્યા બાદ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. શહેરમાં 21 ડિસેમ્બરે એક્ટિવ કેસની સંખ્યા માત્ર 12 હતી જે વધીને 27 તારીખે 46 થઈ છે. આમ, માત્ર સાત દિવસમાં જ એક્ટિવ કેસની સંખ્યામાં લગભગ ચાર ગણો વધારો થયો છે. આ સમયગાળા દરમ્યાન માત્ર 06 દર્દી કોરોનામુક્ત એટલે કે સાજા થયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે કોરોનાના કારણે દરિયાપુરમાં રહેતા 82 વર્ષના વૃદ્ધાનું મૃત્યુ થયું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ જે પણ દર્દીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. તેઓના સેમ્પલ જિનોમ સિક્વન્સ માટે ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. હજી સુધી કયો વેરિઅન્ટ છે તે અંગે કોઈ પણ રિપોર્ટ આવ્યો નથી, કોરોનાના રોજ પાંચથી દસ કેસ નોંધાઈ તો રહ્યા છે, પરંતુ હજી સુધી આ નવા વેરિઅન્ટના કેસ છે કે જુના છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં કોરોના ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરોમાં ડોક્ટરો દ્વારા જે દર્દીને કોરોનાના લક્ષણો જેવા કે ભારે તાવ, શરદી, ખાંસી જેવું જણાય તો તેઓને કોરોના ટેસ્ટ માટે કહેવામાં આવે છે, પરંતુ મોટાભાગના દર્દીઓ કોરોના ટેસ્ટ કરાવી રહ્યા નથી. તેઓ ડોક્ટરોને દવા આપી દો તેમ કહી અને દવા લઈ લે છે, પરંતુ તેઓ ટેસ્ટ કરાવી રહ્યા નથી. જે પણ દર્દીને કોરોનાના લક્ષણ જણાય તો તેઓને કોરોના ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવે છે. જેમાં દરરોજના માત્ર બેથી ત્રણ દર્દીઓ જ કોરોના ટેસ્ટ માટે તૈયાર થાય છે. હાલમાં અર્બન હેલ્થ સેન્ટરમાં જે દર્દીઓ કોરોના ટેસ્ટ કરાવી ચૂક્યા છે તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કોરોનાના કેસોને લઈને હજી લોકો ગંભીર જણાતા નથી.