Western Times News

Gujarati News

અમદાવાદમાં કોરોનાના દર્દીઓની હાલત કફોડી

હોસ્પિટલ શોધવા માટે દર્દીઓ ભટકી રહ્યાં છે – એસવીપી અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ નહીં કરાતા હોવાનો આક્ષેપ – આગામી દિવસોમાં ગંભીર સ્થિતિ સર્જાવાની દહેશત
અમદાવાદ, ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા સતત ર૦૦થી વધુ નોંધાઈ રહી છે જેના પગલે હવે હોસ્પિટલોમાં પણ મેડીકલ સાધનોની અછત વર્તાવા લાગી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓની હાલત કફોડી બનવા લાગી છે. હોસ્પિટલોમાં દાખલ થવા માટે હવે દર્દીઓને અહીંતહીં ભટકવું પડે છે તેવા આક્ષેપો થઈ રહ્યાં છે.

આ પરિસ્થિતિ વચ્ચે પણ અમદાવાદ શહેરમાં નદીપારના વિસ્તારમાં અપાયેલી છૂટછાટો આગામી દિવસોમાં ખૂબ જ ઘાતક પૂરવાર થઈ શકે તેમ છે. પરિસ્થિતિ કાબુમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં હોસ્પિટલોની અંદર બેડ ફૂલ થઈ ગયા હોય તેવું મનાઈ રહ્યું છે. અને હવે દર્દીઓને દાખલ કરવામાં આવતા નહીં હોવાનો આક્ષેપ થયો છે બીજી બાજુ કોર્પોરેશન પણ હવે નવી હોસ્પિટલોની શોધમાં છે અને જે હોસ્પિટલો ના પાડે તો તેઓની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે પરંતુ અત્યારની પરિસ્થિતિ દર્દીઓ માટે ખૂબ જ કપરી બની રહી છે.

અમદાવાદમાં કોરોનાના નવા ર૬ર દર્દીઓ જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ થયા છે. જ્યારે ર૧ દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે. આ સાથે છેલ્લા ૩ દિવસમાં જ ૮૩ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ઉપરાંત ગ્રામીણ વિસ્તાર સહિત દર્દીઓની કુલ સંખ્યા ૮૯૪પની થઈ છે. જ્યારે કુલ મૃત્યુ આંક પ૭૬ના આંકડાને આંબી ગયો છે. આજે નોંધાયેલા મૃત્યુમાં ૧ર પુરૂષ અને ૯ મહિલાનો સમાવેશ થવા જાય છે. નવા ૧૮ર ડિસ્ચાર્જ થયેલાં દર્દીઓનો આંકડો ૩૦ર૩ નો થયો છે. જ્યારે પ૩૪૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. રેડઝોન ઉપરાંતના વિસ્તારોમાં પણ રોજેરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદની બન્ને મોટી હોસ્પિટલમાં દાખલ થવા માટે ભારે હાલાકી પડી રહી છે.

બીજી તરફ અમદાવાદમાં એસવીપી અને સિવિલ બન્ને મોટી હોસ્પિટલોમાં કોરોનાના નવા દર્દીને દાખલ થવામાં ભારે હાલાકી પડી રહી છે. બેડ ફુલ હોવાનું કહી દેવામાં આવે છે. આ સંજાગોમાં દર્દીને જવું ક્યાં તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે. ખાનગી ૩ર હોસ્પિટલોના નામો જાહેર કરાયા છે. તેમાંથી મોટાભાગની હોસ્પિટલો સાથે તો મ્યુનિ.ના હજુ કરાર જ થયા નહીં હોવાનું જાણવા મળે છે. જ્યારે વધુ બેડની ક્ષમતાવાળી મોટી હોસ્પિટલોના તો નામ પણ હજુ લેવાયા નથી. ગંભીર સ્થિતિમાં પણ દર્દીને આમતેમ ભટકવું પડે છે.

વી.એસ.ને તો ભૂલાવી દેવાના જ જાણે કે પ્રયાસો થઈ રહ્યાં છે. ૧૩૩૧થી વધુ દર્દીઓ તો ઘેરબેઠા હોમ-આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. હોસ્પિટલો સાથેના એમઓયુ- કરાર અંગે એવું જાણવા મળે છે કે મોટાભાગની હોસ્પિટલોના સંચાલકો અમારી પાસે હાલ ડોક્ટર નથી, પેરામેડિકલ સ્ટાફ નથી, લીફ્ટ બંધ છે જેવા જુદાં જુદાં બહાના કાઢીને એમઓયુમાં સહીઓ કરતા નથી. ઉપરાંત જે હોસ્પિટલો સાથે અગાઉ એમઓયુ થયા છે, તેમા પણ પ્રશ્નો છે. એક ટ્રસ્ટની હોસ્પિટલમાં એક દર્દી દાખલ થવા ગયો, તેને શ્વાસ ચડતો હતો. હોસ્પિટલના સંચાલકોએ કહ્યું કે આઈસીયુ બેડ અને  અંગેની શરત અમારા કરારમાં ના હતી. દર્દીને બીજે લઈ જાવ. આમ ગંભીર સ્થિતિમાં દર્દીને આમતેમ ભટકવું પડે છે. કોરોનાના ટેન્શનમાં હોસ્પિટલ નકકી કરવાનું ટેન્શન ઉમેરાતા લોકો ત્રાસી જાય છે.

ઉપરાંત હોસ્પિટલોની ફીની રકમ, તેમાંથી દર્દીએ કેટલી ચુકવવાની છે. મ્યુનિ. કેટલી મદદ કરશે વગેરે બાબતો સંપૂર્ણ અસ્પષ્ટ છે. ખાનગી હોસ્પિટલો પણ દાખલ કરવા ના કહી દેતી હોવાનું ચર્ચાય છે. સરકાર અને મ્યુનિ. જાગશે નહીં અને ઓચિંતા દર્દીની સંખ્યા વધી જશે તો અરાજકતાભરી સ્થિતિ સર્જાશે તેવું આ ક્ષેત્રના જાણકારોનું કહેવું છે. મ્યુનિ.એ નક્કી કરેલી કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યા, ઉપલબ્ધ સુવિધા, ખર્ચની સંભાવના વગેરેની માહિતી લોકો સુધી પહોંચાડવા ઝડપથી પ્રયાસો હાથ ધરવા જાઈએ તેવી માંગણી ઉઠવા પામી છે. કોરોના નામનો રાક્ષસ માત્ર ગુજરાતમાંથી ૭૦૦થી વધુ લોકોને ભરખી ગયો છે અને અનેક પરિવારોમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ સર્જી રહ્યો છે. આજે અમદાવાદના કઠવાડામાં માત્ર દોઢ વર્ષના બાળકનું કોરોનાથી મૃત્યું થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.