અમદાવાદમાં કોરોનાના બે શંકાસ્પદ કેસ નોંધાયા
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં સરકારી અને મ્યુનિ. કોર્પો.ની હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીઓ માટે અલાયદા વોર્ડ બનાવવામાં આવ્યા છે અને અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે.
ગઈકાલે દુબઈ અને સાઉદીથી આવેલા બે પુરૂષોમાં કોરોનોના શંકાસ્પદ લક્ષણો દેખાતા આ બંને પ્રવાસીઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આજ રીતે વડોદરામાં પણ અમેરિકાથી આવેલી એક વૃધ્ધાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જયારે કચ્છમાં પણ એક પુરૂષને ભુજની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા નાગરિકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે જેના પગલે એરપોર્ટ પર મેડીકલ સ્ટાફ સતત વ્યસ્ત જાવા મળી રહયો છે વિદેશથી આવતા નાગરિકોમાં શંકાસ્પદ લક્ષણો દેખાય કે તરત જ તેઓને એરપોર્ટથી સીધા જ અમદાવાદ સિવીલ હોસ્પીટલ ખસેડવામાં આવી રહયા છે. ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવેલા પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું હતું
જેમાં દુબઈથી આવેલા એક પુરૂષમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ દેખાતા તબીબી સ્ટાફ એલર્ટ થઈ ગયો હતો અને આ પ્રવાસીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સીવીલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાનમાં સાઉદીથી આવેલા અન્ય એક પ્રવાસીમાં પણ શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બંને દર્દીઓના નમૂના લઈ ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.
અમદાવાદ ઉપરાંત વડોદરામાં પણ ગઈકાલે એક શંકાસ્પદ કેસ મળી આવ્યો હતો અમેરિકાથી આવેલી એક વૃધ્ધામાં આ લક્ષણો દેખાતા તાત્કાલિક આ વૃધ્ધાને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને તેના નમૂના મોકલવામાં આવ્યા છે. જયારે કચ્છમાં સાઉદીથી આવેલા એક પુરૂષમાં કોરોનાના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક ભૂજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને ત્યાં તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે જાકે તેના નમૂના પણ અમદાવાદ મોકલવામાં આવ્યા છે.