અમદાવાદમાં કોરોનાની ભયાવહ સ્થિતિ
ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ વ્યવસ્થા ભાંગી પડી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, રાજયમાં કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક અને ભયાવહ સાબિત થઈ રહી છે. રાજયમાં સુરત, વડોદરા અને રાજકોટમાં પરિસ્થિતિ લગભગ કાબુ બહાર થઈ ગઈ છે. જ્યારે અમદાવાદ શહેરમાં પણ છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાના કેસોમાં ચિંતાજનક હદે વધારો થયો છે.
કેસ ડબલીંગની સંખ્યા માત્ર પાંચ દિવસની થઈ ગઈ છે. જ્યારે દર ૧૦૦ ટેસ્ટ પર પોઝીટીવ કેસમાં રેશિયો સાત સુધી પહોંચી ગયો છે. અમદાવાદ શહેરમાં દર્દીઓ દાખલ થવા રઝળપાટ કરીરહ્યા છે. જ્યારે રેમડેસિવિર ઈન્જેકશન માટે લાંબી લાંબી લાઈનો લાગી રહી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને દર્દીઓ માટે ખાનગી હોસ્પીટલોમાં વિનામૂલ્યે સારવાર બંધ કરી દીધી છે. અને સરકારી હોસ્પીટલોમાં પણ જગ્યા મળતી નથી. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની સ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે.
મ્યુનિસિપલ તંત્ર અને શાસકો છેલ્લા ૧પ-ર૦ દિવસથી માત્ર વેક્સિનેશન પર જ ધ્યાન આપી રહ્યા હોવાથી શહેરમાં ટેસ્ટીગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની વ્યવસ્થા ભાંગી પડી છે.
રાજય સરકારના આદેશ બાદ હાજર થયેલા આએસડીએ બુધવારે બે હોસ્પીટલોમાં દર્દીઓને વિનામૂલ્યેે સારવાર માટે બેડ રિઝર્વ કરાવ્યા છે. જ્યારે ગુરૂવારે ૧૮ ખાનગી હોસ્પીટલોમાં ‘પેઈડ સારવાર’ માટે ૧ર૦૦ જેટલા બેડ રિઝર્વ્ કર્યા છે. જે પૈકી બે-ત્રણ હોસ્પીટલોએ ગત વરસે પણ કોવિડ સારવાર માટે સ્પષ્ટ ના કહી હતી. તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાં અપૂરતા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે.
અમદાવાદ શહેરમાં ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલા ચૂંટણી અને માર્ચ મહિનાની ક્રિકેટ મેચની અસર હવે જાેવા મળી રહી છે. ચૂંટણી અને મેચ પૂર્ણ થયા બાદ મ્યુનિસિપલ અધિકારીઓ અને શાસકોએ વેક્સિનેશનનું એક તરફી અભિયાન શરૂ કર્યુ હતુ. એ અગાઉ ચુંટણી સમયે ટેસ્ટીંગ માટેના ડોમ પણ દુર કરી ‘સબ સલામત’નો દેખાવ કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેૈસ્ટીંગ બંધ થયા બાદ નાગરીકો પણ બેફીકર થઈ ગયા હતા. જેના પરિણામે ધીમી પણ મક્કમ ગતિએ કોરોના સંક્રમણમાં વધારો થયો હતો. માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં દૈનિક કેસની સંખ્યા ૬૦૦ને પાર થયા બાદ તંત્ર થોડા ઘણા અંશે જાગૃત થયુ હતુ.
એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કેસના આકડા ૮૦૦ને પાર થતાં તંત્ર અને શાસકોને તેની ભયાનકતા સમજાઈ હતી. પરંતુ ત્યાં સુધી તબેલામાંથી ઘોડા છૂટી ગયા હતા. કોરોના સંક્રમણમાં એટલી હદે વધારો થયો છે કે ટ્રેસિંગ કરવુ પણ મુશ્કેલ બન્યુ છે. તથા ટ્રેસિંગ તબક્કો પૂર્ણ પણ થયો. હવે, દર્દીઓને સમયસર ટ્રીટમેન્ટ મળે તે દિશામાં ધ્યાન આપવાની જરૂર છે. પરંતુ સારવારમાં પણ તંત્ર બેદરકાર સાબિત થયુ છે. કોરોનાની સારવાર માટે શ્રેષ્ઠ ગણાતી એસવીપી હોસ્પીટલમાં સામાન્ય નાગરીકો માટે સારવાર દુર્લભ બની ગઈ છે.
અહીં માત્ર ભલામણના આધારે જ દર્દીને દાખલ કરવામાં આવી રહ્યા હોવાના ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહ્યા છે. સિવિલ ૧ર૦૦ બેડ હોસ્પીટલના ભૂતકાળને કારણે દર્દીઓ તેમાં સારવાર લેતા ડરી રહ્યા છે. તેમ છતાં ૧૦૮ આગળ દર્દીઓ અને તેમના સ્વજનો મજબુર છે.
સિવિલ હોસ્પીટલમાં ૧ર૦૦ બેડમાં સારી સારવાર મળી રહે છે તેમ છતાં ભૂતકાળની કચાશનો ‘ડર’ નાગરીકોના મનમાંથી નીકળી રહ્યો નથી. સોલા સિવિલ પાસે મર્યાદિત પથારી અને સાધનો છે. જ્યારે લોકડાઉન અને કોરોનાના કારણે બેહાલ થયેલા નાગરીકોને મનપાએ વધુ આર્થિક નુકશાન કરાવ્યુ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીસેેમ્બર મહિના સુધી ૮૦ કરતા વધારે હોસ્પીટલોમાં એએમસી ક્વોટાના બેડ રિઝર્વ રાખવામાં આવ્યા હતો. જેમાં ગરીબ-મધ્યમ વર્ગના નાગરીકોને વિનામૂલ્યે સારવર આપવામાં આવતી હતી. પરંતુ મહાનગરો અને જીલ્લા-તાલુકા પંચાયતોની ચુંટણી પૂર્ણ થયા બાદ કોરોના દર્દીઓનેી વિનામૂલ્યેે સારવાર બંધ કરવામાં આવી છે.
તથા જે હોસ્પીટલો સાથે કરાર કરવામાં આવ્યા હતા તેમાં પણ ‘પેઈડ’ સારવાર શરૂ થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ખાનગી હોસ્પીટલોમાં સારવાર માટેના ભાવ નક્કી કર્યા હોવા છતાં દર્દીઓ અને તેમના સ્વજનો સરેઆમ લંૂટાઈ રહ્યા છે. પરંતુ તંત્ર અને શાસક ખાનગી હોસ્પીટલો સામે હરફ સુધ્ધા ઉચ્ચારવા તૈયાર નથી.
રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ઓએસડી રાજીવ ગુપ્તાએ ગુરૂવારે ૧૮ ખાનગી હોસ્પીટલોમાં ૧ર૯૦ બેડ રિઝર્વ કરાવ્યા છે. પરંતુ તેમાં પણ ‘પેઈડ’ સારવાર રહેશે. નોંધનીય છે કે જે હોસ્પીટલોને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવી છે તે પૈકીની સિધ્ધી વિનાયક હોસ્પીટલ સહિત કેટલીક હોસ્પીટલોએ ર૦ર૦માં એએમસી ક્વોટા બેડ માટે સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. હવે દર્દીઓ પાસેથી સારવાર ચાર્જ વસુલ કરવા માટેે બધા તૈયાર થયા છે. પરંતુ અગાઉ એએમસી ક્વોટા માટે ના પાડનાર સામે એપેડેમીક એક્ટ મુજબ કાર્યવાહી કરવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા માંગણી થઈ છે.