અમદાવાદમાં કોરોના મામલે પૂર્વ-પશ્ચિમ નીતિ સફળ રહી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: રાજ્ય સરકારે લોકડાઉન ૦૪ ના અમલની સાથે સાથે વેપાર-ધંધા માટે નિયમોને આધીન છૂટછાટ આપી છે. જેના માટે કન્ટેઈન્મેન્ટ અને નોનકન્ટેઈન્મેન્ટ વિસ્તારની અલગ તારવણી કરવામાં આવી છે. અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચણી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોેરશનના સીમાંકન મુજબ પશ્ચિમ વિસ્તારમાં ત્રણ ઝોન અને ૧૮ વોર્ડ આવે છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં ચાર ઝોન અને ૩૦ વોર્ડનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર અને મનપાએે જનજીવન થાળે પાડવા માટે છૂટછાટનો અમલ શરૂ કર્યો તે સમયે કેટલાંક નિષ્ણાંતો દ્વારા પશ્ચિમ વિસ્તારમાં કેસ વધવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. પરતુ છેલ્લા ચાર-પાંચ દિવસમાં નોંધાયેલા કેસની સંખ્યા જાતાં સરકારનો નિર્ણય સફળ થયો હોય તેમ લાગે છે. દેશના સૌથી વધુ હાઈરીસ્ક ઝોન માનવામાં આવતા જમાલપુર વોર્ડ અને મધ્ય ઝોનમાં કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમજ પશ્ચિમના વિસ્તારોમાં કોઈ આભ ફાટી પડ્યા નથી. જ્યારે શહેરના ઉત્તર ઝોનનો કન્ટેન્મેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ પણ કેસ સતત વધી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. મતલબ કે કેસમાં મોટી વધઘટ થઈ નથી. રાજય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોેરશને દુકાનો ખોલવા માટે છૂટ આપ્યા બાદ પશ્ચિમ વિસ્તારમાં ‘કોરોના’ નો આતંક વધી જશે એવી ચર્ચા નિષંણાતો કરી રહ્યા હતા. પરંતુ ર૧મી મેથી ર૪મી મે સુધીના પ્રાપ્ય આંકડા પર દ્રષ્ટીપાત કરવામાં આવે તો ઉત્તર ઝોનને બાદ કરતા તમામ ઝોનમાં કેસની સંખ્યામાં વધઘટ થઈ નથી. એક મહિના અગાઉ દેશના હાઈરીસ્ક ઝોન માનવામાં આવતા મધ્યઝોનમાં ર૧ થી ર૪મે એટલે કે ચાર દિવસ દરમ્યાન કોરોનાના માત્ર ૧પ૯ કેસ જ નોંધાયા છે. જેની દૈનિક એવરેજ ૪૦ કેસ થાય છે. કોટ વિસ્તારના કોરોનાનો આતંક ઘટી રહ્યો છે.
એવી જ રીતે મધ્ય ઝોન બાદ કોરોના માટે હોટસ્પોટ માનવામાં આવતા દક્ષિણ ઝોનમાં પણ ચાર દિવસમાં કોરોનાના ૧૬પ કેસ કન્ફર્મ થયા છે. દક્ષિણ ઝોનમાં કોરોના કેસની દૈનિક એવરેજ ૪૧ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવેલા પૂર્વ ઝોનમાં પણ ચાર દિવસ દરમ્યાન ૧૬૪ કેસ જ કન્ફર્મ થયા છે. પૂર્વ ઝોનમાં ર૧મી તારીખે ૪૬ અને રર તારીખે પ૬ કેસ નોંધાયા હતા. જયારે ર૩મી અને ર૪મી તારીખે અનુક્રમે ર૪ અને ૩૮ કેસ જ નોંધાયા છે. આમ, પૂર્વ ઝોનમાં દૈનિક સરેરાશ ૪૧ કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનમાં કેસ વધી રહ્યા છે. તથા કોરોનાનું હોટસ્પોટ ઉત્તર ઝોન બની રહ્યો છે.
ઉત્તર ઝોનમાં ર૧મી મેથી ર૪મી મે સુધી ચાર દિવસમાં કોરોનાના ર૯૪ કેસ નોંધાયા છે. જ્યાં દૈનિક સરેરાશ ૭ર કેસ થાય છે. ઉત્તર ઝોનમાં ર૧ મી તારીખે પપ, રર તારીખે ૮૩, ર૩મીએ મે એ ૬૧ અને ર૪મી મે એ ૯પ કેસ જાહેર થયા હતા. પૂર્વ પટ્ટામાં ચાર ઝોનના ૩૦ વોર્ડ જેને કન્ટેઈન્મેન્ટ જાહરે કરવામાં આવ્યા છે. તેમાં ચાર દિવસ દરમ્યાન ૧૦૪૪ કેસ કન્ફર્મ થયા છે. દૈનિક સરેરાશ કેસની સંખ્યા ર૬૧ થાય છે.
અમદાવાદ શહેરના પશ્ચિમ પટ્ટામાં ર૧મી મે થી ર૪મી મે સુધી ચાર દિવસમાં કોરોનાના માત્ર ર૬ર કેસ નોંધાયા છે. પશ્ચિમ વિસ્તારના ત્રણ ઝોન અને ૧૮ વોર્ડમાં દૈનિક સરેરાશ ૬પ.૬ કેસ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં ચાર દિવસ દરમ્યાન ૧પપ કેસ નોંધાયા છે. જેની દૈનિક એવરેજ ૩૮ કેસ આસપાસ થાય છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાર દિવસ દરમ્યાન ૪૯ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પ૮ કેસ જ નોંધાયા છે.
તેથી નિષ્ણાંતો દ્વારા છૂટછાટ આપ્યા બાદ જે ‘આભ ફાટી પડવા’ની દહેશત વ્યક્ત કરવામાં આવતી હતી તે તદ્ન ખોટી સાબિત થઈ રહી છે. છૂટછાટ આપ્યા બાદ પણ પશ્ચિમના વિસ્તારોમાં કેસની સંખ્યામાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. જેની સામે પૂર્વ પટ્ટાના કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં એક માત્ર ઉત્તર ઝોનને બાદ કરતા તમામ ઝોનમાં કેસની સંખ્યા ઘટી છે. ખાસ કરીને, દશેના હાઈરીસ્ક ઝોન માનવામાં આવતા જમાલપુર વોર્ડ તથા કોટ વિસ્તારમાં કોરોનાનો આતંક શાંત થયો છે.