અમદાવાદમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો
અમદાવાદ, અત્યારે કોરોના વાયરસે ચીન સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે અમદાવાદમાં પણ કોરોનાવાયરસનો શંકાસ્પદ કેસ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોંધાયો છે. આજે બુધવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક મહિલામાં કોરોનાવાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. જેના પગલે મહિલાના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આજે બુધવારે એક મહિલા શરદી ઉધરસ અને તાવની દવા લેવા માટે આવી હતી. જોકે ફરજ પરના ડોક્ટરોને મહિલામાં કોરોનાવાયરસના શંકાસ્પદ લક્ષણો હોવાની જાણ થતાં મહિલાને તરત જ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. અને તેમની પ્રાથમિક સારવાર ચાલું કરી છે.
સિવિલ હોસ્પિટલના ડોક્ટરના કહેવા પ્રમાણે મહિલાના તમામ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને તપાસ માટે મોકલી આપ્યા છે. જોકે, સેમ્પલનો રિપોર્ટ 48 કલાકમાં મળશે. જેથી રિપોર્ટ ન આવે ત્યાં સુધી મહિલાને આઈસોલેટેડ વોર્ડમાં રાખવામાં આવશે. રિપોર્ટ બાદ જ આગળની સારવાર શરૂ કરવામાં આવશે ત્યાં સુધી તાવ શરદીની પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.