અમદાવાદમાં ખાનગી બસ કે લક્ઝરીના પ્રવેશ પર દિવસ દરમિયાન પ્રતિબંધ યથાવત
(પ્રતિનિધી) અમદાવાદ, ખાનગી લકઝરી બસ સંચાલકોને હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. ખાનગી લકઝરી બસ સંચાલકોની અપીલને હાઇકોર્ટની ખંડપીઠે ફગાવી દીધી છે અને સિંગલ જજના નિર્ણયને બહાલી આપી છે. વર્ષ ૨૦૦૪ માં ૧૮ જેટલા રૂટ પર ૨૪ કલાકની મંજૂરી અપાઈ હતી, એ રૂટ પર મંજૂરી ચાલુ રાખવાની રજૂઆત ખાનગી ટ્રાવેલ એજન્સીઓ દ્વારા કરવામાં આવી હતી જે કોર્ટે ફગાવી દીધી છે.
અમદાવાદ શહેરમાં સવારનાં ૮ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી ખાનગી બસ કે લક્ઝરીને પ્રવેશ નહીં મળી શકે. કારણ કે, ખાનગી લકઝરી બસ સંચાલકોની અપીલને હાઇકોર્ટની ખંડપીઠે ફગાવી દીધી છે. સિંગલ જજના નિર્ણયને ખંડપીઠે બહાલી આપી છે.
ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓએ ધંધા-રોજગારના અધિકાર અને ઇ્ર્ં ના નિયમોને ટાંકીને સરકારનાં જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ સાથે ટ્રાવેલ્સ એજન્સીઓએ સાલ ૨૦૦૪માં ૧૮ જેટલા રૂટ પર ૨૪ કલાકની મંજૂરી અપાઈ હતી, એ રૂટ પર મંજૂરી ચાલુ રાખવાની રજૂઆત કોર્ટમાં કરી હતી. જો કે, હાઈકોર્ટની ખંડપીઠે આ અપીલને ફગાવી દીધી હતી.
હાઈકોર્ટે કહ્યું કે, છેલ્લા ૧૮ વર્ષમાં શું કોઈ સ્થિતિ નથી બદલાઈ? છેલ્લા બે દાયકામાં વાહનો વધ્યાં છે, ટ્રાફિક મેનેજમેન્ટ મુશ્કેલ બન્યું, અકસ્માતો વધ્યા છે. કોર્ટે ટિપ્પણી કરી કે, કોઈ ચોક્કસ ડેટા વિના પોલીસે લાદેલા પ્રતિબંધને ગેરવ્યાજબી કંઈ રીતે જાહેર કરી શકાય? જે લોકો લક્ઝરી સુવિધાનો ઉપયોગ કરવા માગે છે તેમના માટે વ્યવસ્થા કરવાની જવાબદારી સંચાલકોની છે.
કોર્ટે આગળ કહ્યું કે, સામાન્ય નાગરિકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને એક સમાન રીતે જોઈ શકાય નહીં. આ સાથે વૈકલ્પિક રૂટ આપવાની રજૂઆત કોર્ટે ફગાવી હતી.