અમદાવાદમાં ગાર્ડનો ખુલતાં નાગરીકોની ભીડ
અમદાવાદ, કોરોનાના કહેર બાદ અનલોક-4 માં ગાર્ડનો ખોલવાની મંજૂરી મળતાં જ શહેરના ગાર્ડનોમાં મોટી સંખ્યામાં નાગરીકો ઉમટી પડયા હતા અને સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરના સુપ્રસિધ્ધ લો ગાર્ડન હેપી સ્ટ્રીટ ટુ વ્હીલર વાહનોથી ભરાઈ ગઈ હતી. જો કે હજુ સુધી ખાણી પીણીના સ્ટોલ રવિવારે ખુલ્યા ન હતા.
આ ઉપરાંત લો ગાર્ડન વિસ્તારમાં ઘોડાગાડીવાળા ચાલુ થઈ જતાં લોકો બાળકોને ઘોડાગાડીમાં બેસાડવા ઉમટી પડયા હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પકવાન સિંધુભવન રોડ પર આવેલા ગાર્ડનમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જો કે રીવરફ્રન્ટ પર લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. એસ.વી. પી. હોસ્પિટલ નજીક આવેલા ફલાવર પાર્ક ખુલ્યુ ન હોવાથી લોકો નિરાશ થઈને પાછા વળવું પડ્યુ હતું.