અમદાવાદમાં ઘરફોડ ચોરીના ચાર બનાવઃ કૃષ્ણનગર, મણીનગર અને ખાડીયામાં તસ્કરો ત્રાટક્યા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-ર માં અપાયેલી છૂટછાટોને કારણે જનજીવન પુનઃ ધબકતું થઈ ગયુ છે આ પરિસ્થિતિમાં શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ કથળવા લાગી છે. લાંબાગાળાના લોકડાઉન બાદ શહેરમાં ફરી એક વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે જેના પરિણામે નાગરીકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના જુદા જુદા ચાર વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ફરીયાદો નોંધાતા સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના રાયપુર વિસ્તારમાં કોટની રાંગ નજીક આવેલી સિધ્ધી પોળમાં રહેતા રચના દિનેશકુમાર ભગતે ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે થોડા દિવસ પહેલાં તે બહાર ગયા હતા ત્યારે તેમના ઘરની બારી ખોલી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂા.૧.ર૭ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ભરચક એવા આ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાથી ખાડીયા પોલીસના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલ સિગ્નોર રેસિડેન્સીમાં રહેતા અવધભાઈ ગોધીયા સેટેેલાઈટ પ્રેરણાતીર્થ દેરાસર રોડ ઉપર આવેલા શાસન કોમ્પ્લેક્ષમાં પહેલા માળે ટ્રાવેલ્સની ઓફિસ આવેલી છે. તેમની ઓફિસ બંધ હતી ત્યારે ચાર વ્યક્તિઓ દુકાનનું તાળુ તોડીને દુકાનમાંથી રૂા.૧.પ૧ લાખની ચોરી કરી લઈ ગયા છે. આ અંગે અવધભાઈએ ચાર વ્યક્તિઓ સામે સેટેેલાઈટ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
શહેરના મણીનગર વિસ્તારમાં પણ ઘરફોડ ચોરીનો બનાવ બન્યો છે જેમાં મણીનગર વિસ્તારમાં આવેલી ગાંધીપાર્ક સોસાયટીમાં રહેતા હેમલભાઈ મોદીના ઘરમાંથી દિવસ દરમ્યાન તસ્કરોએ લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા છે આ અંગે મણીનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ મેરી સ્કુલની બાજુમાં આવેલા રાધે રેસીડેન્સીમાં રહેતા હિતેશ હરિશભાઈના ઘરમાં રસોડાની બારીમાંથી તસ્કરોએ પ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂા.૧.પપ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છેે.