અમદાવાદમાં ઘરે મોતને ભેટતા દર્દીઓની સંખ્યામાં વધારો
અમદાવાદ: કોરોનાની બીજી લહેર નવા લક્ષણો સાથે વધારે ઘાતક સાબિત થઈ રહી છે. આવામાં હોસ્પિટલો પણ ભરાઈ રહી છે માટે મજબૂરીમાં ઘણાં દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહેવા માટે મજબૂર બન્યા છે. આવામાં ઘરે સારવાર લઈ રહેલા અને મોતને ભેટનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિ જાેઈને નાગરિકોમાં પણ ભયનો માહોલ વ્યાપી રહ્યો છે. ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની તકલીફ વધ્યા બાદ પરિવારના સભ્યો દ્વારા તેમને ના છૂટકે દાખલ કરવાની નોબત ઉભી થાય છે
આવામાં એમ્બ્યુલન્સ અછત, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન અને વેન્ટિલેટર બેડની અછતના કારણે પરિસ્થિતિ વધારે ગંભીર બની રહી છે. રિપોર્ટ્સ મુજબ નવરંગપુરામાં કોર્મર્સ છ રસ્તા પાસે રહેતા ૭૨ વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ ઘરે સારવાર લઈ રહ્યા હતા પરંતુ તેમની તબિયત વધારે ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આવામાં દર્દીને દાખલ કરવા માટે લાંબી રાહ જાેવી પડી અને આખરે તેમને સિવિલમાં દાખલ કરાયાના ગણતરીના કલાકોમાં જ અંતિમ શ્વાસ લીધા.
જાે પોતાના સગાને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી ગઈ હોત તો તેમનો જીવ બચાવી શકાયો હોત તેવી લાગણી સાથે કુટુંબીજનોએ તંત્ર ભાંગી પડ્યું હોવાના આક્ષેપો કર્યા હતા. એક અન્ય કિસ્સામાં ૩૩ વર્ષના મહિલાને સારવાર માટે લઈ જવા માટે પરિવારજનોએ ઘણી હોસ્પિટલમાં તપાસ કરી પરંતુ કોઈ મેળ ના પડતા આખરે ૧૦૮ને ફોન કરવામાં આવ્યો અને વિચારાયું કે એમ્બ્યુલન્સ દ્વારા તેમને ઝડપી કોઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ મોત થઈ ગયું.
આ સિવાયના એક અન્ય કિસ્સામાં ૫૧ વર્ષના વસ્ત્રાલના મહિલાનું પણ હોસ્પિટલમાં દાખલ થવાની લાંબી પ્રક્રિયા બાદ મોત થયું હતું. હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થયા બાદ તેમના અંતિમ સંસ્કાર માટે આપવામાં આવતા મૃતદહ માટેની લાઈન, સ્મશાનમાં લાઈન આ તમામ લાંબી પ્રક્રિયાઓના કારણે પરિવાર ભાંગી પડતો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં હવે કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. ગુજરાતમાં મંગળવારે સાંજે નોંધાયેલા આંકડા પ્રમાણે ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૨,૨૦૬ દર્દીઓ નોંધાયા છે અને ૪૩૩૯ દર્દીઓ સાજા થયા છે.