અમદાવાદમાં છરી બતાવી લૂંટ કરતી ગેંગ સક્રિય
એકલ દોકલ માણસો ને છરી બતાવી લૂંટ કરતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના ઘાટલોડિયા, સેટેલાઇટ, સરખેજ બાદ હવે ચોથો બનાવ શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં બન્યો છે. જેમાં એક વેપારીને છરી બતાવી કારની લૂંટ ચલાવવામાં આવી છે. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા સુજાણ શાહ નામના વેપારીએ પોલીસ ફરિયાદ આપી છે કે, તેઓ મોડી સાંજે તેમના દીકરાને લેવા માટે ગુલબાઈ ટેકરા ખાતે આવેલા તેમના સાળીના ઘરે જઈ રહ્યા હતા.
તે દરમિયાન માણેકબાગ નજીક આવેલી નવયુગ સોસાયટી પાસે એક બાઈક ચાલક તેમની નજીક આવ્યો હતો. અને ગાડી રોકવા માટે કહ્યું હતું. ફરિયાદીએ ગાડી રોકતા જ આરોપી તેમની ગાડીમાં ડ્રાઇવર સીટની બાજુ માં બેસી ગયો હતો. જે બાદ તેણે ગાડીની ચાવી કાઢી નાખી હતી. બાદમાં ફરિયાદીને ગાડીમાંથી બહાર આવવાનું કહ્યું હતું. જાેકે, ફરિયાદીએ તેમને રોકાવનું કારણ પૂછતાં જ આ લુંટારૂ એ તેમને એક લાફો મારી દીધો હતો.
જે બાદ આરોપી એ છરી બતાવી ફરિયાદી ને ધમકાવ્યો હતો, કે હું વેજલપુરનો છું તેને ખબર નથી. એમ કહી ને તે પોતાનું બાઈક ઘટના સ્થળે મૂકી ત્યાંથી વેપારીની વરના કાર લઈને ફરાર થઈ ગયો હતો. જાેકે, ગંભીર બાબત તો એ છે કે, શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પણ લુંટારૂ એ છરી બતાવી કોન્ટ્રાકટરના ઍક્ટિવાની લૂંટ કરી હતી. ત્યારબાદ એ જ એકટીવા લઈ ને તેને સમથળ સર્કલ નજીકમાં બેંક મેનેજરને ધમકાવી તેની કાર લૂંટીને એકટીવા મૂકી ફરાર થઈ ગયો હતો. જ્યારે મેમનગરમાં દુકાનનું શટર બંધ કરી છરી બતાવી પાંચ મોબાઈલની લૂંટ કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો.