અમદાવાદમાં જાણીતા બી-સફલ ગ્રુપ અને અગ્રવાલ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા
![31st July 2022 last day for Incometax filing](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/income-tax-2-1024x683.jpg)
અમદાવાદ, અમદાવાદ શહેરમાં આવકવેરા વિભાગે મોટા કહેવાતા બિલ્ડરો પર કાયદેસરની કાર્યવાહી કરી છે. ઈન્કમટેક્સ વિભાગે અમદાવાદ શહેરમાં બી સફલ અને સ્વાતિ ગ્રુપ પર દરોડા પાડતા અન્ય બિલ્ડર લોબીમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
જાણીતા બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ અને અશોક અગ્રવાલને ત્યાં આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના બે મોટા માથા ગણતા બિલ્ડર આવકવેરા વિભાગના રડારમાં આવી ચુક્યા છે. આ ઉપરાંત, શહેરમાં નામાંકિત બ્રોકર્સને ત્યાં પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. નાની મોટી કુલ ૨૨ જગ્યાઓ પર તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
જાેકે, અમદાવાદના બે મોટા ગ્રુપ પર દરોડા પડતા સમગ્ર શહેરમાં એની ચર્ચા થઈ રહી છે. ઈન્ક્મટેક્સ વિભાગના અધિકારીઓ તરફથી શહેરના જાણીતા બિલ્ડર અને બ્રોકર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. હાલ જુદા જુદા ટેક્સને લઈને અધિકારીઓ કેટલાક દસ્તાવેજ તપાસી રહ્યા હોવાની વિગત સામે આવી છે. પણ તપાસના અંતે કોઈ મોટો આંકડો સામે આવે એવા એંધાણ વર્તાય રહ્યા છે.
બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ અને સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલને ત્યાં તપાસ ચાલુ છે. ઈન્ક્મટેક્સ વિભાગના આ સુપર ઑપરેશનમાં કોઈ મોટી રકમ અને મોટો કહી શકાય એવો કાળો ચિઠ્ઠો સામે આવે એવી શક્યતા છે. આ પહેલા આવકવેરા વિભાગે તા. ૮ સપ્ટેમ્બરના રોજ સમભાવ મીડિયા ગ્રુપના પ્રોપરાઈટર તથા જાણીતા બ્રોકર દીપક ઠક્કર તથા યોગેશ પૂજારાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. રાજકોટમાં આર.કે. ગ્રુપ દરોડા દરમિયાન પણ કરોડો રૂપિયાનું કાળુ નાણું મળી આવ્યું હતું.
ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ ડૉક્યુમેન્ટ ઉપરાંત લેપટોપ, પેન ડ્રાઈવ, સહિતના સાધનોની તપાસ કરી રહ્યા છે. ગત વર્ષે ઈન્કમટેક્સ વિભાગે ટેક્સને લઈને કોઈ કામગીરી કરી ન હતી. પણ આ વર્ષે ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
આ વિગત સામે આવતા અન્ય બિલ્ડરો પણ એલર્ટ થઈ ગયા છે. ખાસ કરીને મોટા ગ્રુપ ગણાતા બિલ્ડર તથા એન્જસીઓની લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. છેલ્લા ત્રણ મહિનાથી રાજ્યના મોટા નગરમાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. જેમા બેનામી નાણું મળતા મામલો સમગ્ર શહેરમાં ચર્ચામાં રહ્યો છે.HS