અમદાવાદમાં જિમ ખોલનારા સામે કોર્પોરેશન કાર્યવાહી કરશે
કેન્દ્રની નવી ગાઈડલાઈન બાદ જીમ ફરી ખુલી ગયા-પોલીસ કમિશનરના હુકમને આધાર બનાવી સંચાલકોએ જીમ ખોલ્યા પણ હવે મ્યુનિ. કોર્પોરેશને લાલ આંખ કરી
અમદાવાદ, કોરોનાના કેસ સતત વધતા સ્પોર્ટસ સંકુલ, જિમ અને ગાર્ડન બંધ કરવાનો તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ૧૭મી માર્ચના રોજ અમદાવાદ શહેરના ક્લબ અને તમામ જીમ બંધ કરવાનો આદેશ કર્યો હતો. જે બાદ નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી જીમ બંધ રાખવા હુકમ કર્યો હતો.
બીજી તરફ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન આવતા તમામ જીમ ફરી ખુલી ગયા છે. પરંતુ ઘડાઘડ જિમના દરવાજા શરૂ થઈ રહ્યાં છે. બે દિવસથી અમદાવાદમાં જીમ ખોલવા મામલે ભારે અસમંજસ જાેવા મળી હતી. પોલીસ કમિશનરના આદેશને આધાર બનાવી સંચાલકોએ જીમ ખોલ્યા છે. પરંતુ આ વચ્ચે એએમસીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. અમપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કહ્યું જીમ ખુલશે તો કાર્યવાહી થશે.
અમદાવાદ શહેરમાં કોરોના ગાઈડલાઈન મુજબ, શહેરમાં ફરી તમામ જિમ્નેશિયમ શરૂ થયા છે. જિમ્નેશિયમ ઓપન થવા અંગે સંચાલકોમાં ભારે અસમંજસ જાેવા મળી છે. જિમ્નેશિયમ બંધ કરવાનો આખરી આદેશ અમપા એ આપ્યો હતો. જાેકે, બે દિવસથી શહેરમાં અનેક જીમ ખૂલી રહ્યાં છે.
ત્યારે એક જીમ સંચાલક જય આચાર્યએ જણાવ્યું હતું કે, અમપા તરફથી અમને કોઈ સ્પષ્ટતા મળી નથી. અમે શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ જ અમલ કરી રહ્યા છે. તમામ એસઓપી અને નિયમોના પાલન સાથે જ જીમ ચાલી રહ્યા છે. જીમ બંધ કરવાના આદેશ કરનારા અમપા ની જિમ ખોલવા અંગે કોઈ સ્પષ્ટતા નથી.
અમપા ના અધિકારીઓ હાલ આ મુદ્દે કંઈપણ કહેવા પણ તૈયાર નથી. તો અમદાવાદ શહેરમાં ખૂલી રહેલા જીમ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરાઈ કે, અમે જીમ ખોલવા માટેનો કોઈ જ આદેશ આપ્યો નથી.
વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું કે, અમદાવાદમાં જીમ બંધ રાખવાનો આદેશ યથાવત જ છે. નવો આદેશ ન થાય ત્યાં સુધી કોઈપણ જિમ્નેશિયમ ખોલી નહિ શકાય. આવી સ્થિતિમાં જીમ ખુલ્લા નજરે પડશે તો મોટી કાર્યવાહી થશે.