અમદાવાદમાં ઝાડા ઉલટી અને કમળાના કેસોમાં વધારો
અમદાવાદ, શહેરમાં ગરમી ધ્યાનમાં રાખી હવે આગામી દિવસોમાં પાણીજન્ય રોગોમાં વધારો થવાની શક્યતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગત વર્ષે માર્ચ મહિનામાં જન્ય રોગો જેવા કે ઝાડા ઊલટી અને કમળાના રોગમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા.
જેમાં ખાસ કરીને શહેરના મધ્ય ઝોન અને પૂર્વ વિસ્તારમાં ગોમતીપુર અને રખિયાલ જેવા વિસ્તારમાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જે અનફીટ જાહેર થયા છે. આગામી દિવસોમાં પણ ગરમીને ધ્યાનમાં રાખીને પાણીજન્ય રોગોમાં વધારો થઈ શકે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકી જણાવ્યું હતું કે, ચાલુ મહિનામાં ઝાડા-ઊલટીના 449 અને કમળાના 133 કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં ગરમીની સીઝનની શરૂઆત થતાં પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતો હોય છે. આગામી દિવસોમાં ઈદનો તહેવાર અને અન્ય તહેવારો આવે છે.
ઉપરાંત ગરમીમાં લોકો બહારનું ફળ ફ્રૂટ શેરડીનો રસ તેમજ શિકંજી પીવે છે. જેના કારણે પણ કમળા અને ઝાડા ઊલટીના કેસો વધવાની શક્યતા છે. જે વ્યક્તિને ઝાડા-ઊલટી કે કમળા સહિતના પાણીજન્ય રોગો થાય તેઓએ ગરમ ઉકાળેલું પાણી પીવું જોઈએ.