અમદાવાદમાં ઝાડા-ઉલ્ટીના માત્ર ૧૪ દિનમાં ૨૫૧ કેસો

અમદાવાદ: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં માર્ચ મહિનામાં પણ કેટલાક લોકો અસરગ્રસ્ત થયા છે. તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાના પરિણામસ્વરુપે રોગચાળાને કાબૂમાં લેવામાં સફળતા મળી છે છતાં કેટલાક નવા કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગની વાત કરવામાં આવે તો ૧૪ દિવસના ગાળામાં ઝાડા ઉલ્ટીના ૨૫૧, કમળાના ૪૧, ટાઇફોઇડના ૧૦૦ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે જ્યારે મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં ૧૪ દિવસના ગાળામાં જ ડેંગ્યુના ૧૦ કેસ નોંધાઈ ચુક્યા છે.
માર્ચ ૨૦૧૯ દરમિયાન લેવામાં આવેલા ૧૦૬૭૬૨ લોહીના નમૂનાની ૧૪મી માર્ચ ૨૦૨૦ સુધીમાં ૪૩૩૫૫ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. માર્ચ ૨૦૧૯ દરમિયાન લેવામાં આવેલા ૨૪૪૧ સિરમ સેમ્પલોની સામે ૧૪મી માર્ચ ૨૦૨૦ સુધીમાં ૪૯૧ સિરમ સેમ્પલોની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે સિઝનલ ફ્લુની વાત કરવામાં આવે તો જાન્યુઆરી મહિનામાં ચાર, ફેબ્રુઆરી મહિનામાં છ અને માર્ચ મહિનામાં ૧૪ દિવસમાં ૮ કેસો નોંધાયા છે. ચાલુ માસ દરમિયાન ક્લોરીન ટેસ્ટ પણ મોટાપાયે કરવામાં આવ્યા છે. ક્લોરિન ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક કામગીરી અદા કરવામાં આવી રહી છે.
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને રોકવા માટે તંત્ર દ્વાર વિવિધ પગલ લેવાઈ રહ્યા છે. ચાલુ માસ દરમિયાન ક્લોરિન નિલની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ચાલુ માસ દરમિયાન બેક્ટીરિયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂનાની તપાસ પણ કરવામાં આવી ચુકી છે. પાણીના નમૂનાઓની સંખ્યા ૭૨૭ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ભય વચ્ચે પગલા જારી છે.