અમદાવાદમાં ટેક્ષટાઇલ પૉલિસી-૨૦૧૨ હેઠળ રૂ.૪૧૪૯.૫૭ કરોડનું રોકાણ થયુ
રાજ્યમાં વિવિધ પૉલિસીઓને કાર્યાન્વિત કરી રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, રાજયમાં મૂડી રોકાણ વધે અને રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ દ્વારા વધુને વધુ નાગરિકોને રોજગાર મળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
રાજ્યમાં ક્રિસ્ટલ કલીયર પૉલિસીઓના કાર્યાન્વહન અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનાં પ્રગતિશીલ કદમોને કારણે ગુજરાત રાજ્ય દેશભરમાં ઉદ્યોગીકરણ અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ક્ષેત્રે અગ્રેસર છે. ગુજરાતીઓના લોહીમાં વેપાર-વણજ છે જ, પરંતુ તે વધુ બે કદમ આગળ વધે તે માટે રાજ્યમાં દર બે વર્ષે વાયબ્રન્ટ સમીટ યોજીને ઉદ્યોગ ક્ષેત્રને વેગ મળે તે માટે કદમો ઉઠાવવામાં આવે છે.
રાજ્ય રંગ-રસાયણ, ફર્ટિલાઇઝર, ડાયમંડ વગેરે ક્ષેત્રે આગળ છે. તે જ રીતે કાપડ, ગારમેન્ટ અને હોઝિયરી પેદાશોના ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૧૨માં ગુજરાત ટેક્ષટાઇલ પૉલિસી અમલી બનાવવામાં આવી હતી. આ પૉલિસી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં તારીખ: ૩૧.૦૩.૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ ૮૮ અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જેના દ્વારા રૂ.૪૧૪૯.૫૭ કરોડનું રોકાણ થયું છે, તેમ ધારાસભ્યશ્રી દ્વારા પુછાયેલા પ્રશ્નના લખિત જવાબમાં ઉદ્યોગ મંત્રીશ્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું.