અમદાવાદમાં ટ્રક ડિવાઈડર કૂદીને બસ-કારને અથડાઈ
અમદાવાદ, શહેરમાં હાલ કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં હવે વહેલી સવારે અકસ્માતમાં વધારો નોંધાશે. કારણ કે સવારના સમયે ઠંડા પવનો ફૂંકાતા હોવાથી ચાલકોને ક્યારેક ઝોકું આવી જતું હોય છે. આ કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આવી જ ઘટના નારોલ રોડ પર બની છે. જેમાં એક ટ્રક ચાલકને ઝોકું આવી જતા ટ્રકે ડિવાઈડર કૂદીને એક બસ અને અન્ય વાહનને અડફેટે લીધા હતા. ઘટનામાં બેથી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. શહેરના નારોલ રોડ પર વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા ત્રણ ગાડીઓને નુકસાન થયું હતું. બસમાં બેઠેલા ત્રણેક લોકોને ઈજાઓ પહોંચી હતી. આ તમામ લોકોને સારવાર અર્થે ખસેડાયા છે.
પોલીસે પ્રાથમિક તપાસ કરતા ટ્રકના ચાલકને વહેલી સવારની ઠંડીમાં ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. જે બાદમાં અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે થોડીવાર માટે આ રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જે બાદમાં ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ટ્રાફિક હળવો કર્યો હતો. ટ્રાફિક પોલીસે પણ જણાવ્યું હતુ કે હાલ શિયાળાની ઠંડીને કારણે અવારનવાર આવા અકસ્માત થતા હોય છે. ટ્રક ચાલકો રાત્રિના નીકળ્યા હોય છે અને સવારે કડકડતી ઠંડી અને બીજી તરફ ઉજાગરો હોવાથી આવી ઘટનાઓ બનતી હોય છે. હાઇવે પર મોટાભાગે આવી જ ઘટના બનતી હોય છે. શહેરોમાં પણ ક્યારેક આવી ઘટનાઓ બનતી હોય છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અકસ્માતોની ઘટના સતત વધી રહી છે. બુધવારે જ બગોદરા-ધોળકા રોડ પર એક કાર અને રિક્ષા વચ્ચે થયેલી જાેરદાર ટક્કરમાં ચાર લોકોનાં મોત થયા હતા. ટક્કર એટલી જાેરદાર હતી કે રિક્ષાનું પડીકું વળી ગયું હતું, જ્યારે કારના આગળના ભાગનો ભૂક્કો થઈ ગયો હતો. આ બનાવમાં બે પુરુષ, એક સગીરા અને એક બાળકનું નિધન થયું હતું. બનાવમાં બે ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.SSS