અમદાવાદમાં ટ્રિપલ અકસ્માત -કારે ટક્કર મારતાં રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે મોત
અમદાવાદ, અમદાવાદમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક નિર્દોષ અને ગરીબ રીક્ષાચાલકે જીવ ગુમાવ્યો છે. મોટેરા ગામ પાસે ગઈકાલે રાત્રે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. તો ઈજાગ્રસ્ત કારચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.
એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોટેરા ગામ પાસે ગઈકાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ કાર ચાલકે રીક્ષા ચાલકને અડફેટે લીધો હતો. કારચાલકે રીક્ષાને એવી ટક્કર મારી હતી કે, રીક્ષાનું આખુ પડીકુ વળી ગયુ હતું. તેમજ રીક્ષા ૨૦ ફૂટ જેટલી ફંગોળાઈ ગઈ હતી.
તેમજ રીક્ષા ચાલકનુ ત્યા જ મોત નિપજ્યુ હતું. જાેકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે હજી જાણી શકાયુ નથી. ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. કાર જ્યાં ફંગોળાઈ એ રસ્તા વચ્ચે એક નર્સરી પણ હતી. જ્યાં કેટલાક લોકો રહેતા હતા. સદનસીબે એ તમામ જમવા ગયા હોવાથી બચી ગયા હતા.
જાે તેઓ હાજર હોત તો વધુ નુકસાન થયું હોત. સદનસીબે ૪ જેટલા લોકો અકસ્માતમાં બચી ગયા હતા. કારચાલકે રોડની બાજુમાં રહેલા થાંભલાને પણ અડફેટે લીધો હતો અને બાદમાં ગાડી પલટી ખાઈને ૨૦ ફૂટથી પણ વધુ દૂર જઈ પડી હતી. બીજી તરફ, કારને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું.
જેમાં કારચાલક પણ ઘવાયો છે. જેને એપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. ગાડીમાં પણ નાસ્તાના જુદા જુદા પેકેટ અને ગ્લાસ મળી આવ્યા છે. રીક્ષાને અડફેટે લેતા પહેલા કાર ચાલકે એક બાઇકને પણ અડફેટે લીધી હતી. અકસ્માત બાદ બાઈક ઘટના સ્થળે પડેલી મળી આવી છે.