અમદાવાદમાં ઠંડીનો પારો ૧૪.૬ ડિગ્રીએ

દિવાળીના તહેવારોમાં ઠંડીનો સપાટો જળવાઈ રહેશે-ઠંડીનું જાેર વધવાથી મોર્નિગ વોકર્સ સંહિતના આરોગ્ય પ્રેમીઓમાં ખુશીની લહેર
અમદાવાદ, શહેરમાં ધારણા મુજબ ઠંડીની તીવ્રતામાં વધારો નોંધાયો છે. ઠંડીનો પારો ગઈ કાલની ૧૪.૭ ડિગ્રી ઠંડીથી પણ નીચે ગગડીને ૧૪.૬ ડિગ્રી સેલ્સિયસે જઈને અટક્યો હતો, એટલે શહેરનો કોલ્ડેસ્ટ ડે ઓફ ધ સિઝન નોંધાયો હતો.
છેલ્લાં દસ વર્ષમાં ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ ઠંડી ગત તા.૨૯ ઓક્ટોબરે ૧૫.૮ ડિગ્રી સેલ્યિયસ નોંધાઈ હતી. ગઈ કાલે નોંધાયેલી ૧૪.૭ ડિગ્રી ઠંડીએ શહેરમાં ઓક્ટોબરમાં નોંધાયેલી ઠંડીને રેકોર્ડ તોડ્યો છે.
જ્યારે આજથી નવેમ્બર મહિનો શરૂ થયો હોઈ પહેલા જ દિવસે ૧૪.૬ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તાજેતરમાં શિયાળાના ધીમા પગલે શરૂ થયેલા પ્રારંભના આ દિવસોમાં આજે ઠંડીનો પારો સૌથી નીચે ગગડીને અટક્યો છે. આજનું ૧૪.૬ ડિગ્રી સેલ્સિયસનું લઘુત્તમ તાપમાન સામાન્ય તાપમાન કરતાં ચાર ડિગ્રી ઓછું નોંધાયુ છે, જ્યારે ગઇ કાલે ૩૪.૨ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. આજે સવારે ૮.૩૦ વાગ્યે શહેરમાં હવામાંનો ભેજ ૬૧ ટકા જેટલો નોંધાયો હતો. શરૂ થયેલા દિવાળીના તહેવારોમાં લઘુત્તમ ૧૫ ડિગ્રીની આસપાસ જળવાઈ રહેશે. બીજા અર્થમાં દિવાળીના સપરમાં દિવસોમાં ઠંડીનો સપાટો રહેશે તેમ સ્થાનિક હવામાન વિભાગની આગાહીને જાેતાં લાગે છે.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરભરમાં લોકો ઉત્સાહિત છે અને નાના-મોટા વેપારીઓ પણ ઘરાકી નીકળતા ખુશખુશાલ છે. ગઇ દિવાળીના મંદીના માહોલની સામે આ દિવાળી વધુ રોનકદાર બની છે તેની સાથે શહેરમાં ફરી વળેલી ઠંડી પણ લોકોમાં ટોક ઓફ ધ ટાઉન થઈ છે.
આની સાથે આ વખતે ઠંડીના તમામ રેકોર્ડ બ્રેક થશે તેવી ચર્ચાઓ પણ ઊઠી છે. જાેકે ઠંડીનું જાેર વધવાથી મોર્નિગ વોકર્સ સંહિતના આરોગ્યપ્રેમીઓમાં ખુશીની લહેર જાેવા મળી છે. કેટલાક ઉત્સાહીઓ શારીરિક વ્યાયામ કરીને આરોગ્ય સુખાકારી મેળવતા નજરે પડે છે. બગીચાઓમાં પણ ભીડ વધી છે. જાેકે કોવિડ ગાઈડલાઈનનું મહદંશે પાલન થતું ન હોઈ આ બાબત પણ ચર્ચાસ્પદ બની છે.